ગાંધીધામમાં કરોડોનું જીએસટી કૌભાંડ ઝડપાયું

ગાંધીધામ, તા. 22 : વન નેશન વન ટેકસ સૂત્ર સાથે ભારત સરકાર દ્વારા  ગૂડસ એન્ડ સર્વિસ ટેકસ  અમલી કરાયા બાદ કચ્છ કમિશનરેટમાં કચ્છના  આર્થિક પાટનગર ગાંધીધામને કેન્દ્રમાં રાખી દેશવ્યાપી આર્થિક કૌભાંડનો પર્દાફાશ સેન્ટ્રલ જી.એસ.ટી. દ્વારા કરાયો છે. જીએસટી તંત્રની આ કાર્યવાહીના પગલે કરચોરી કરતા તત્ત્વોમાં ભારે ફફડાટ પ્રસર્યો છે. ખોટા બિલના આધારે ટેકસ ક્રેડિટ મેળવી દેશની તિજોરીને કરોડોની નુકસાની પહોંચાડનારા  તત્ત્વો સુધી પહોંચવા તંત્ર દ્વારા દેશવ્યાપી તપાસ આદરી દેવામાં આવી છે. આ અંગે  સેન્ટ્રલ જીએસટીના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ કરોડોનું કૌભાંડ આચરનારા મેસર્સ પ્રીત એન્ટરપ્રાઈઝના ગુરકમલ સિંઘ (ઉ.વ.38)ની આજે ધરપકડ કરાઈ હતી. તેને કોર્ટમાં રજૂ કરાતાં ગાંધીધામની કોર્ટે આગામી તા. 5/2 સુધી એટલે કે 12 દિવસ જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે. આ ચકચારી ક્રૌભાંડની વિગતો મુજબ ગુરકમલે ગાંધીધામ સેન્ટ્રલજી.એસ.ટી.માં મેસર્સ પ્રીત એન્ટરપ્રાઈઝ કંપનીની નોંધણી કરાવી હતી. બાદમાં   અન્ય 17 કંપનીઓ પણ નોંધાવી હતી. મુખ્ય ભેજાબાજે કુલ 531 કરોડના બોગસ જી.એસ.ટી. બિલ બનાવ્યા હતા અને તેના આધારે અત્યાર સુધીમાં 97.69 કરોડની ઈનપુટ ટેકસ ક્રેડિટ મેળવી લેવાઈ છે. આ શખ્સે શરૂમાં નોંધાવેલી અન્ય 18 કંપનીઓનાં દર્શાવાયેલાં સરનામાં  પર કોઈ કંપની ચાલુજ ન હોવાનું જણાઈ આવ્યું હતું. તેમજ કૌભાંડકારે તમામ 18 કંપનીઓના બેન્ક એકાઉન્ટ પણ  ખોલાવ્યા હતા. તેનુ સંચાલન પણ પાતે જ કરતો હતો. જીએસટી તંત્રને શંકા જતાં સેન્ટ્રલ જીએસટીના પ્રીવેન્ટિવ વિભાગ દ્વારા વિવિધ સ્થળો પર તપાસ આદરી બોગસ બિલ કબ્જે કર્યા હતા. આ શખ્સે ગુજરાત અને દેશના વિવિધ શહેરોની પાર્ટીઓને માલ મોકલવા કે અન્ય કોઈ સર્વિસ આપ્યા વિના જ પાર્ટીઓને બોગસ બિલ બનાવી આપ્યા  છે. આમ બોગસ બિલોના આધારે ટેકસ ક્રેડિટ મેળવનારી તમામ પાર્ટીઓ સુધી તપાસનો રેલો પહોચશે. જી.એસ.ટી. વિભાગ દ્વારા આ મામલાની વધુ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડમાં અનેક વ્યક્તિઓની સંડોવણી બહાર આવે તેવી શકયતા નકારી શકાતી નથી. તપાસ દરમ્યાન અનેક ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શકયતા જાણકારો વ્યકત કરી રહ્યા છે. કરોડોનું કૌભાંડ આચરનારો આ શખ્સ પંજાબનો વતની છે અને પાંચેક વર્ષથી આદિપુર ખાતે રહેતો હતો અને ગાંધીધામમાં ઓફિસ ખોલીને આ મસમોટું કૌભાંડ આચર્યું હતું. આ શખ્સે ખોલેલી 17 જેટલી બોગસ કંપનીઓના નામ, કૌભાંડીના કયા કયા વ્યક્તિઓ સાથે સબંધ હતા?, કેટલા સમયથી કૌભાંડ આચર્યું હતું? તે સહિતની વિગતો જીએસટી પ્રશાસન દ્વારા તપાસના હિતમાં આપવામાં આવી નથી. આરોપીની ગત મોડી રાત્રિના અરસામાં જીએસટી એકટ 69 તળે ધરપકડ કરાઈ હતી અને તેને ગળપાદર જેલહવાલે કરાયો છે. જીએસટી વગોવાયેલી પદ્ધતિ છે પરંતુ તેમાં ગોટોળો કરતા વેપારીઓ બચી નહીં શકે. 

સૂત્રધાર ગુરકમલે છેક દિલ્હી, જયપુર સુધી જાળ ફેલાવી 
ગાંધીધામ, તા. 22 : બોગસ જીએસટી બિલ બનાવી 97.69 કરોડની  ઈનપુટ ટેકસ ક્રેડિટ ગેરકાયદે મેળવી લેવાના દેશવ્યાપી કૌભાંડમાં હાલ તો એક ભેજાબાજની ધરપકડ કરાઈ છે, પરંતુ આ ખોટી રીતે ક્રેડિટ મેળવનારા લોકોની યાદી લાંબી છે. કૌભાંડના મુખ્ય સૂત્રધાર ગુરકમલે અમદાવાદ, વડોદરા, જયપુર, જોધપુર, દિલ્હી સહિત દેશના  વિવિધ શહેરોમાં અનેક પાર્ટીઓને બોગસ બિલ બનાવી આપ્યા હતા. જાણકાર વર્તુળોના જણાવ્યા પ્રમાણે લગભગ 100થી વધુ પાર્ટીઓએ બોગસ બિલના આધારે કરોડોની ઈનપુટ ટેકસ ક્રેડિટ મેળવી છે. હવે આ પ્રકરણમાં સેન્ટ્રલ જીએસટીની ટીમ દ્વારા ક્રેડિટ મેળવનારા લોકો સુધી પહોંચવા તપાસનો દોર લંબાવ્યો છે. આ તમામ લોકો પાસેથી 100 ટકાના દંડ સાથે ટેકસ ક્રેડિટ પરત લેવામાં આવશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer