ભુજ સુધરાઇ વિવાદને પગલે ભાજપ કાર્યાલય ગરમાયું

ભુજમાં આજે ભાજપ કાર્યાલયે મળેલી બેઠકમાં સુધરાઇના મુદ્દે કાર્યાલય ગરમાયું હતું. ભાજપનો જૂથવાદ વકરતો જાય છે અને સમયાંતરે બહાર પણ આવતો રહે છે. ખાસ કરીને સુધરાઇમાં બનતી ઘટનાઓ અને પ્રકરણોને પગલે વિવાદનો મધપૂડો છંછેડાય છે. છેલ્લા કેટલાક સમયથી ભુજ સુધરાઇ ભારે ચર્ચામાં રહે છે ત્યારે આજે ભાજપ કાર્યાલયે યોજાયેલી માટિંગ પૂર્ણ થયા બાદ મુખ્ય અધિકારી નગરસેવકોને દાદ દેતા ન હોવા અંગે જિલ્લા પ્રમુખ પાસે ઉગ્ર રજૂઆત કરાઇ હોવાનું સૂત્રોમાંથી માહિતી પ્રાપ્ત થઇ છે. આ ઉગ્ર ચર્ચાને પગલે વાતાવરણ એટલું ગરમાયું કે, એક તબક્કે હાલના કારોબારી ચેરમેન તથા પૂર્વ કારોબારી ચેરમેન આમને-સામને આવી ગયા હોવાનું અને વાત હાથાપાઇ સુધી પહોંચી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. અલગ-અલગ વિવાદોને પગલે સુધરાઇના પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરસેવકોના અલગ-અલગ જૂથ વચ્ચે ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે અને આવનારા સમયમાં નવા-જૂનીના એંધાણ દેખાઇ રહ્યા છે. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, સુધરાઈના હોદ્દેદારો તથા નગરસેવકો સાથે મુખ્ય અધિકારીનું સંકલન નથી હોતું તેવી ફરિયાદ આવી છે. થોડા સમય પહેલાં પેન્શન મુદ્દે નિર્ણય લેવાઈ ગયો અને તે બંધ ન કરવા રજૂઆત આવી જે અંગે સુધરાઈ પ્રમુખને પૂછતાં તેઓએ નિર્ણયથી અજાણતા દર્શાવી જે યોગ્ય ન કહેવાય. જો કે બન્ને ચેરમેન આમને-સામને આવ્યાની વાતને નકારી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer