કિવિ સામે કસોટી: આજથી વન ડે શ્રેણી

નેપિયર, તા.22: ઓસ્ટ્રેલિયાના પ્રવાસની અજેય અને આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય ક્રિકેટ ટીમ બુધવારે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પાંચ મેચની વન ડે શ્રેણીમાં ઊતરશે ત્યારે તેનું પલડું ભારે રહેશે. જો કે ન્યુઝીલેન્ડની ટીમનું હાલનું શાનદાર ફોર્મ, ત્યાંના નાના મેદાન, ટ્રેંટ બોલ્ટ, લોકી ફગ્યૂર્સન અને ટિમ સાઉધીનું ઝડપી બોલિંગ આક્રમણ ઉપરાંત કેન વિલિયમ્સન સહિતના કિવિ બેટધરોની આક્રમક રમતનો જવાબ આપવો ટીમ ઇન્ડિયા માટે આસાન નહીં હોય. કિવિ ટીમને તેની સરજમીં પર હાર આપવી હંમેશાં કઠિન રહ્યું છે. ભારતીય ટીમને તેનો બખૂબી અહેસાસ છે. ટીમ ઇન્ડિયાએ અહીં 3પ વન ડેમાંથી માત્ર 10માં જ જીત મેળવી છે. પાછલી 2014માં રમાયેલી શ્રેણીમાં 0-4થી હાર સહન કરવી પડી હતી. મેચની પૂર્વ સંધ્યા પર ભારતીય સુકાનીએ કહ્યંy છે કે તે દુનિયાની નંબર 3 ટીમ છે અને પાછલા કેટલાક સમયથી સતત સારું પ્રદર્શન કરી રહી છે. અમે ભારતમાં તેની સામે રમ્યા છીએ અને મુંબઇમાં હાર્યા હતા. મારું માનવું છે કે તેમની ટીમ ઘણી સંતુલિત છે. તેમની પાસે ઊર્જા છે. વર્લ્ડ કપની તૈયારી પર પોતાનું પૂરું ધ્યાન કેન્દ્રિત કરનારી ભારતીય ટીમ હજુ પણ મધ્યક્રમમાં યોગ્ય સંયોજનની તલાશમાં છે. કાંગારૂ ભૂમિ પર પહેલી દ્વિપક્ષી વન ડે શ્રેણી જીતવા છતાં ભારતની મધ્યક્રમની સમસ્યાનો હજુ હલ આવ્યો નથી. ધોનીએ સતત ત્રણ અર્ધસદી કરીને આલોચકોને જવાબ આપ્યો છે. હાલ ભારતીય ટીમની સમસ્યા હાર્દિક પંડયાની ગેરહાજરીમાં સાચું સંતુલન ગોઠવવું, શિખર ધવનનું નબળું ફોર્મ (પાછલી 9 મેચમાં શ્રેષ્ઠ સ્કોર 3પ), અને ધોનીનો બેટિંગ ક્રમ છે. કિવિ સામેની શ્રેણીમાં પણ ધોની જ નંબર ચારનો ઉપયુકત બેટધર બની રહેશે. કારણ કે રાયડૂ  ફોર્મમાં નથી. ભારતીય ટીમમાં યુવા બેટધર શુભમન ગીલનો સમાવેશ થયો છે. ભૂવનેશ્વર અને શમી સાથે ત્રીજા બોલર તરીકે ખલિલ અહેમદને તક મળી શકે છે.  બીજી તરફ ન્યુઝીલેન્ડની ટીમ બેટિંગ-બોલિંગમાં બેલેન્સ છે. સુકાની વિલિયમ્સન અને રોશ ટેલર અદભુત ફોર્મમાં છે. ટેલરે ગયા વર્ષે કોહલી પછી સર્વશ્રેષ્ઠ સરેરાશ 92 રનથી સ્કોર બનાવ્યા હતા. મેચ ડે-નાઇટ છે. બુધવારે ભારતીય સમય અનુસાર સવારે 7-30 વાગ્યાથી શરૂ થશે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer