ભુજ-દાદર ટ્રેનનો રૂટ બદલતાં વાગડના 150 પ્રવાસી રખડયા

ભુજ, તા. 22 : ગઇકાલે સોમવારે ભુજથી દાદર જતી ટ્રેન વાયા આડેસર, પાલનપુર, રાધનપુર થઇ અ'વાદથી મુંબઇ જાય છે પરંતુ ટ્રેન આવવાના સમયે જ આડેસરમાં મુસાફરોને ખબર પડી કે, પાલનપુર બાજુ કામ ચાલુ હોવાથી આ ટ્રેન અહીં આવશે જ નહીં આથી અંદાજે 150 જેટલા મુસાફરો રખડી પડયા હતા અને આ ટ્રેન પકડવા ખાનગી વાહનો ભાડે કરી અમદાવાદ તરફ રવાના થવું પડયું હતું. આ સમગ્ર બાબતે આ ઘટનાનો ભોગ બનેલા એવા મુસાફર પ્રકાશ જોટાએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ ટ્રેન રાત્રે 9-30 વાગ્યે આડેસર પહોંચે છે. અમે આડેસરના રેલવે મથકે હતા ત્યારે 9-15 વાગ્યે ત્યાં રેલવે અધિકારીએ જણાવ્યું કે, આગળ રેલવે ટ્રેકનું કામ ચાલુ હોવાથી આ ટ્રેનનો રૂટ બદલ્યો છે અને આ ટ્રેન ધ્રાંગધ્રાથી માળિયા થઇ અમદાવાદ અને ત્યાંથી દાદર જશે. એકદમ ખરા સમયે જ એ સૂચના મળતાં પ્રવાસીઓ રખડી પડયા હતા અને ખાનગી વાહનથી અમદાવાદ પહોંચતાં દોડા-દોડી કરવાની હાલાકી ભોગવી પડી હતી. રેલવે પ્રશાસને રૂટ બદલવાની સૂચના વેળાસર આપવાની જરૂરિયાત હતી પરંતુ આમાં તે ઊણું ઊતર્યું હોવાનો આક્રોશ ભોગ બનેલા મુસાફરોએ વ્યક્ત કર્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer