ભુજમાં રાહદારી મહિલાના ગળામાંથી સમીસાંજે પોણો લાખની ચેઇન ખેંચાઇ

ભુજ, તા. 22 : શહેરમાં મહારાવશ્રી ખેંગારજી પાર્ક નજીક ઇદગાહ પાસેના શરદ બાગ તરફના વળાંક ઉપર આજે સાંજે પ્રતિમાબેન રમેશ સોનપાર નામના પ્રૌઢ રાહદારી મહિલાના ગળામાંથી રૂા. પોણો લાખની સોનાની ચેઇનની ચીલઝડપ થતાં પોલીસ ભારે દોડધામમાં પડી ગઇ છે.  શહેરમાં નવી રાવલવાડીમાં રઘુવંશીનગર ખાતે રહેતા પ્રતિમાબેન સોનપાર આજે સાંજે પાંચેક વાગ્યે ઇદગાહ પાસેના વળાંક ઉપરથી પગપાળા જઇ રહ્યા હતા ત્યારે અચાનક પાછળથી બાઇક ઉપર આવેલો અજાણ્યો શખ્સ તેમના ગળામાં પહેરેલી ત્રણ તોલા વજનની સોનાની ચેઇન ખેંચીને પલકવારમાં બાઇક ભગાડીને ઓઝલ થઇ ગયો હતો. બનાવ વિશે એ-ડિવિઝન પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ દાખલ કરાવાઇ હતી. સબ ઇન્સ્પેકટર ઉલવાએ તપાસ હાથ ધરી છે. શહેરમાં અગાઉ બનેલા આ પ્રકારની ચીલઝડપના અનેક કિસ્સાઓ તદ્દન વણઉકેલ હાલતમાં છે ત્યારે આજે ધોળા દિવસે વધુ એક કિસ્સો બનતાં કાયદાના રક્ષકો માટે જબ્બર પડકાર ઊભો થયો છે. તો મિલકત વિરોધી પ્રકારના ગુના અને તેવા કેસોમાં નબળા ગુનાશોધનનો મુદ્દો પણ પુન: સપાટી ઉપર આવ્યો છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer