છબીલ પટેલના ફાર્મ હાઉસના સ્ટાફે બે શાર્પ શૂટરને ઓળખી બતાવ્યા ?

અમદાવાદ, તા. 22 (અમારા પ્રતિનિધિ તરફથી): ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાનુશાળીની હત્યાના 15 દિવસ બાદ પણ પોલીસ હત્યારા અને હત્યાની સોપારી આપનારા સુધી પહોંચી શકી નથી. જયંતી ભાનુશાળી હત્યા કેસમાં પોલીસ રીતસર ફાંફે ચડી છે. ભાનુશાળીની હત્યા બાદ   પહેલા જ સપ્તાહમાં પોલીસે હત્યારાઓને ઓળખી લીધા હોવાનો અને પકડી લીધા હોવાનો દાવો કર્યો હતો પરંતુ આખી તપાસમાં આંધળે બહેરું કુટાયું જેવી સ્થિતિ થઇ હતી. પોલીસે ભાનુશાળીની હત્યા તેમની ત્રીમિત્ર મનિષા ગોસ્વામીએ કરાવી હોવાનું માની તે તરફ તપાસ શરૂ કરી હતી પણ જેમ જેમ તપાસ આગળ વધતી ગઇ તેમ તેમ જે તથ્યો હાથ લાગ્યા તે સાવ અલગ જ નીકળ્યા હતા. મનિષાની સાથે રહેલા ભાઉ અને સુરજીતને ઝડપી લઇ તેમની આકરી પૂછપરછ કરાતાં તેઓ મનીષાના કોઇ અન્ય કામ માટે આવ્યા હોવાનું ખૂલ્યું હતું અને તેને જ્યંતી ભાનુશાળીની હત્યા સાથે કોઇ લેવાદેવા ન હતી.  દરમિયાન પોલીસ કેટલાક શંકાસ્પદ નંબરોના આધારે તપાસ માટે  મહારાષ્ટ્રના પૂણે શહેર પહોંચી હતી જ્યાં પૂણે પોલીસે  જાણકારી આપી હતી કે જયંતી ભાનુશાળીની હત્યા પહેલાં પૂણેમાં એક હત્યાને અંજામ આપી હત્યારાઓ ગુજરાત તરફ ગયા હતા. પૂણે પોલીસ દ્વારા ત્રણ શંકાસ્પદ હત્યારાના  ફોટો ગુજરાત પોલીસને આપવામાં આવ્યા હતા. આ ફોટા છબીલ પટેલના કચ્છમાં આવેલા ફાર્મના સ્ટાફને બતાડવામાં આવતાં ત્રણ તસવીર પૈકી બે વ્યક્તિ ઓળખી બતાવ્યા હતા અને આ બે વ્યક્તિ હત્યા અગાઉ છબીલ પટેલના  ફાર્મમાં રોકાઇ હોવાનું તેમણે કબૂલ્યું હોવાનું જાણવા મળે છે. જયંતી ભાનુશાળીના ભત્રીજા સુનીલની ફરિયાદમાં પણ છબીલ પટેલ ઉપર શંકા દર્શાવવામાં આવી છે. ભાનુશાળી પરિવારે પણ આરોપ મૂક્યો છે કે છબીલ પટેલ દ્વારા સોપારી આપીને ભાનુશાળીની હત્યા કરાવી છે.  જયંતી ભાનુશાળીની હત્યા પહેલા જયંતી ભાનુશાળી, મનિષા સહિત ભાઉ અને સુરજીત નામની વ્યક્તિ મુંબઇથી ભુજ સાથે આવી હતી પરંતુ હત્યાની ફરિયાદમાં મનિષાનો ઉલ્લેખ થતાં તે ફરાર થઇ ગઇ હતી. બીજીતરફ મનીષાએ હત્યા કરાવી હોવાના અનુમાન સાથે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે ચાર થિયરી સાથે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી હતી. ભાઉ અને સુરજિત મનિષા દ્વારા સોંપવામાં આવેલા કામને અંજામ આપે તે પહેલાં ભાનુશાળીની હત્યા થઇ જતાં ડરના માર્યા ફરાર થઇ ગયા હતા. દરમિયાન પોલીસને કેટલાક શંકાસ્પદ નંબર હાથ લાગ્યા હતા. જે મહારાષ્ટ્રના પૂણે શહેરના હતા. આ નંબરોની જાણકારી સાથે પોલીસની ટીમ પૂણે પહોંચી હતી. જ્યાં પૂણે પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ ંહતું પરંતુ હત્યારાઓને પકડી શકાયા ન હતા. પૂણે પોલીસની જાણકારી મુજબ ગુજરાત પોલીસ જેમને શોધી રહી છે તેમણે જયંતી ભાનુશાળીની હત્યાના બે દવિસ પહેલાં પૂણેમાં પણ આ પ્રકારની એક હત્યાને અંજામ આપ્યો હતો, ત્યારબાદ ગુજરાત તરફ ગયા હતા. પૂણે પોલીસ દ્વારા ત્રણ શંકાસ્પદ હત્યારાના ફોટા ગુજરાત પોલીસને આપવામાં આવ્યા હતા. આ ત્રણ ફોટા લઇ પોલીસ કચ્છ પહોંચી હતી અને છબીલ પટેલની માલિકીના બે ફાર્મ પૈકીના ભુજમાં આવેલા એક ફાર્મ હાઉસના સ્ટાફને આ ત્રણેય ફોટા બતાવતાં તેમણે ત્રણ પૈકીના બે ફોટાવાળી વ્યક્તિને ઓળખી બતાવી હતી. આ બે વ્યક્તિ હત્યાના બે દિવસ પહેલાં ફાર્મ હાઉસમાં રોકાઇ હતી અને હત્યાના દિવસ પછી તેઓ પાછી ફરી નહોતી. આ જાણકારીને આધારે પોલીસ ફાર્મ હાઉસના આ સ્ટાફને પણ પોતાની સાથે વધુ તપાસ માટે લઇ ગઇ હોવાનું જાણવા મળે છે. આમ હવે છબીલ પટેલની આસપાસ પોલીસ તપાસ શરૂ થઇ છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer