માવઠાંને પગલે કચ્છમાં ફરી ટાઢોડું : નલિયામાં 10 ડિગ્રી

ભુજ, તા.22: પશ્ચિમી વિક્ષોભને પગલે ગઈકાલે કમોસમી માવઠાંની સવારીએ જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધારવાનું કામ કર્યું હતું અને આજે એકથી દોઢ ડિગ્રીના ઘટાડાએ નલિયાને 10 ડિગ્રી સે. તાપમાને રાજ્યનું સૌથી ઠંડું મથક બનાવ્યું હતું. રણકાંધી પણ ઠરી હોય તેમ ખાવડામાં પણ 10 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જિલ્લામથકે લઘુતમ ઉષ્ણતામાનનો પારો 15માંથી સીધો 13.7 ડિગ્રી થતાં નગરવાસીઓને મધ્યાહ્ન સુધી ઠંડીનો અનુભવ થયો હતો. રાજ્ય હવામાન ખાતા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમુક સ્થળોએ માવઠાં સિવાય અન્યત્ર સૂકું હવામાન રહ્યું હતું. આવતીકાલે પણ હવામાન  મહદઅંશે સૂકું રહેવાનો વર્તારો વ્યક્ત કરવામાં આવ્યો છે. આજે વહેલી પરોઢથી જ વાતાવરણમાં ઠંડીની ચમક વર્તાતી હતી. લોકોને મધ્યાહ્ન સુધી ઠંડીની અસર અનુભવાઈ હતી. તે પછી સૂરજ ઢળ્યા બાદ ફરી ઠંડી માથું ઊંચકીને સામે આવી હતી. હવામાન ખાતા તેમજ ખાનગી રાહે નોંધાતા તાપમાન અનુસાર નલિયામાં લાંબા સમય બાદ ફરી પારો 10 ડિગ્રીએ સરકતાં રાજ્યમાં સૌથી ઠંડું મથક બન્યું હતું. કચ્છમાં નલિયા સિવાય ખાવડાએ પણ 10 ડિગ્રી તાપમાનનો અનુભવ કર્યો હતો. જિલ્લામથકે મહત્તમ ઉષ્ણતામાન પણ 27.4માંથી 27 ડિગ્રી રહેતાં દિનભર ઠંડીની અસર જારી રહી હતી. કંડલા પોર્ટ ખાતે જોકે પારો એક ડિગ્રી ઊંચકાઈને 16 અને કંડલા એરપોર્ટ ખાતે 14.2માંથી 14.0 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.  આ સિવાય માંડવી અને મુંદરામાં 14 ડિગ્રી અને રાપરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer