કચ્છમાં નવી 18 પાણી યોજનાના થશે કામ

ભુજ, તા. 22 : જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે મળેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં નક્કી કરાયા અનુસાર વાસ્મો દ્વારા રૂા. 490.80 લાખના ખર્ચે નવી બનાવાયેલી 18 પાણી પુરવઠા યોજનાના કામો કરાશે. તેવી માહિતી અપાઇ હતી.  નવી બનાવાયેલી પાણી યોજનામાં ભુજ તાલુકાના બોલાડી, દેઢિયા નાના, દદ્ધર નાની અને ધોરડો એમ ચાર ગામનો સમાવેશ કરાયો છે, જયારે અંજાર તાલુકામાં નિંગાળ અને  સંઘડ એમ બે ગામોમાં એક-એક પાણી યોજના કાર્યાન્વિત કરાશે. નખત્રાણા તાલુકામાં લક્ષ્મીપર (નેત્રા), ભારાપર (ભાદરા), ઉખેડા, દેવપર (યક્ષ) અને વિથોણ એમ પાંચ ગામોમાં નવી પાણી યોજના આકાર લેશે. આ ઉપરાંત માંડવી તાલુકાના રામપર(વેકરા) ગામે એક અને મુંદરા તાલુકાના નાના-કપાયા અને રામાણિયા ગામે પણ એક-એક નવી પાણી યોજનાના કામો ચાલુ કરાશે. 14 નવી પાણી યોજનાને સક્ષમ ઓથોરિટી દ્વારા તાંત્રિક મંજૂરી અપાઇ ગઇ છે જ્યારે  માંડવી તાલુકાની ગોધરા, રાપરની આડેસર, ભચાઉ તાલુકાની ધોળાવીરા અને અંજાર તાલુકાના વરસામેડી ગામે સાકાર થનાર નવી પાણી યોજનાને વાસ્મો, ગાંધીનગર દ્વારા મંજૂરી મળેથી કામો હાથ ધરાશે, તેમ શ્રી કટારિયાએ જણાવ્યું હતું.  પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે પીવાના પાણીની સુવિધા ઊભી કરવાના કામો પણ હાથ ધરાયાં છે, તે પૈકી અંજારમાં બે, ગાંધીધામમાં એક અને લખપતમાં 4 શાળાઓમાં કામગીરી પૂર્ણ કરાઇ છે. જ્યારે રાપર તાલુકાની 27 શાળાઓ પૈકી એક શાળામાં પીવાના પાણીની સુવિધા ઊભી કરાઇ છે અને બે શાળામાં કામગીરી પ્રગતિમાં છે જયારે 4 શાળાઓમાં બોરની કામગીરી થયા બાદ અને 3 શાળાઓમાં ટેન્ડર પ્રક્રિયા બાદ કામગીરી હાથ ધરાશે.  બી.એ.ડી.પી. કાર્યક્રમ અંતર્ગત પણ દસ ગામોમાં પાણી યોજનાના કામો હાથ ધરાશે જેમાં કોટડા, ધોરડો, હાજીપીર તેમજ ભચાઉ તાલુકાના ધોળાવીરા અને રતનપર, લખપતના નારાયણ-સરોવર, શીણાપર, ગુનેરી, કોરિયાણી અને લખપતનો સમાવેશ કરાયો છે. આ ગામોમાં લોકફાળાની રકમ ભરવાની થતી નથી.  જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે દર સોમવારે મળતી અછત સંદર્ભે પાણી પુરવઠા, સિંચાઇ અને નર્મદા યોજનાના કામોની સમીક્ષા દરમિયાન જિલ્લા કલેકટર દ્વારા અછતમાં પાણી પુરવઠાના કામો, સિંચાઇના કામો તેમજ નવી પાણીની લાઇનોના કામોના આયોજન ઉપરાંત કૂવા ઊંડા કરવા, પશુઓ માટે પાણીના અવાડા ભરવા, ડેમમાંથી સિંચાઇના પાણીની માગણી, નવા બોરના સર્વે, પાણીની ચોરી અટકાવવાના પગલાં વગેરે બાબતે વિભાગવાર અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલ હકીકતની વિગતે છણાવટ કરાઇ હતી. પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર પી.એ. સોલંકીએ  પાણી પુરવઠો વધારવા હેતુ રૂા. 247 કરોડના ખર્ચે અંજારથી કુકમા સુધીની નવી પાણીની પાઇપ લાઇન નાખવાના કાર્યની સમીક્ષા પણ કરાઇ હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer