ગાંધીધામ સુધરાઇમાં સત્તાધીશોનો જ ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો વિરોધપક્ષના ઉપનેતાનો આક્ષેપ

ગાંધીધામ, તા. 22 : અહીંની પાલિકા ભ્રષ્ટાચારમાં આળોટતી હોવાના અનેક આક્ષેપ વચ્ચે વિરોધપક્ષના ઉપનેતાએ પાલિકાના અધિકારીઓ, ચૂંટાયેલા પદાધિકારીઓએ પોતાના અંગત ફાયદા માટે બનાવટી દસ્તાવેજો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સરકાર સાથે વિશ્વાસઘાત ઠગાઇ કરનાર તમામ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવા તથા દીવાની રાહે કાર્યવાહી કરવા મુખ્ય સચિવ, સેકશન અધિકારી, જિલ્લા સમાહર્તા વગેરેને પત્ર પાઠવ્યો છે. આ પત્રમાં જણાવ્યા મુજબ ગત તા. 21-4-2017ના પાલિકાએ વિકાસકામો માટે કન્સલટન્ટની નિમણૂક કરવા માટે જાહેરાત આપી હતી. જે માટે છ કંપનીઓએ ટેન્ડર ભર્યા હતા. જે માટે તા. 28-7-2017નાં ટેન્ડર ખોલ્યાનું રોજકામ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અધિકારી સિવાય કોઇની સહી નથી. નેગોશિએશન માટે તારીખની જગ્યા ખાલી મૂકવામાં આવી છે તથા ગ્રેવિટાસ કન્સલ્ટન્સીના જે ભાવો આવેલા છે તેમાં છેકછાક કરવામાં આવ્યા છે તેમજ રોજકામમાં છ પૈકી એક કંપનીનો ઉલ્લેખ સુદ્ધાં કરાયો નથી. તથા જાહેરાતમાં કવોટેશન તા. 3-5-2017 સુધીમાં બંધ કવરમાં રજૂ કરવાનું જણાયું હતું છતાં તા. 28-7-2017ના આ કવોટેશન ખોલી ગુનાહિત ષડયંત્ર તથા પૂર્વ આયોજિત કાવતરાને અંજામ અપાયો હતો. આ પ્રકરણમાં સૌથી ઓછા ભાવ જીઓમેઝ કંપનીએ ભર્યા છતાં તા. 26-9-2018ના મુખ્ય અધિકારીએ આ કામનો વર્ક ઓર્ડર રચના એન્જિનીયર્સને આપી દીધો હતો જેના કુલ ભાવમાં પણ ચેડાં કરવામાં આવ્યા હતા. આ કામ માટે રચના એન્જિનીયર્સને વર્કઓર્ડર આપવામાં આવ્યો હોવા છતાં મુખ્ય અધિકારીએ પોતાના અંગત ફાયદા માટે ગ્રેવિટાસ કન્સલ્ટન્સીના ભાવ વધુ હોવા છતાં ભાવમાં છેકછાક કરી ખોટા દસ્તાવેજ ઊભા કરી તત્કાલીન પાલિકા અધ્યક્ષ દ્વારા ખોટા ઠરાવો ઊભા કરી તથા કારોબારી ચેરમેને પણ ખોટા દસ્તાવેજ, ઠરાવો કરી તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. આ લોકોએ મેળાપીપણું કરી વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આદરી સરકારની તિજોરીને પોતાના અંગત ફાયદા માટે નુકસાન પહોંચાડયું હતું. આવા ખોટા ઠરાવો, દસ્તાવેજો થકી રૂા. 35,00,00,000ના કામો આપવામાં આવ્યા છે. ધારાસભ્ય દ્વારા પાઠવાયેલી આ નોટિસ બાદ 30 દિવસમાં પરવાનગી આપવા અથવા કાર્યવાહી નહીં કરવામાં આવે તો વિરોધપક્ષના ઉપનેતા નીલેશ ભાનુશાલી આ તમામ લોકો વિરુદ્ધ પોલીસ મથકમાં, કોર્ટમાં દીવાની તથા ફોજદારી રાહે ફરિયાદ નોંધાવશે તેવી ચીમકી આપવામાં આવી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer