રાષ્ટ્રીય ધોરીમાર્ગને લગતા વિવિધ પ્રશ્નોની નવી દિલ્હીમાં રજૂઆત

ગાંધીધામ, તા. 22 :ગાંધીધામ સંકુલના જમીન સંબંધી પ્રશ્નો મામલે ગાંધીધામ ચેમ્બરના પ્રતિનિધિ મંડળની કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી સાથે  દિલ્હી ખાતે યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ સંબંધી પડતર પ્રશ્નો અંગે પણ રજૂઆતો કરવામાં આવી હતી. આ બેઠકમાં નેશનલ હાઈવે દ્વારા પડાણા અને ગળપાદર ઓવરબ્રિજના મંદ ગતિએ કરાતા કામમાં ઝડપ લાવવા ભારપૂર્વકની રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્ય સરકારે જે રીતે નાનાં વાહનોને સ્ટેટ હાઈવે પરના ટોલનાકા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે તે રીતે નેશનલ હાઈવે ઉપર પણ નાનાં  વાહનોને ટોલ ફીમાંથી મુક્તિ  આપવા માંગ કરાઈ હતી. આ મુદ્દે મંત્રી શ્રી માંડવિયાએ હૈયાધારણ આપી આ મુદ્દો સરકારની વિચારણા હેઠળ હોવાનું ઉમેરી આગામી દિવસોમાં આ અંગે યોગ્ય કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ ઉપરાંત મોરબી-રાજકોટ બાયપાસ રોડ ઉપર ટ્રાફિક ભારણ અને ટ્રાફિક જામના કારણે વાહનચાલકોને પડતી મુશ્કેલી અંગે રજૂઆત કરાઈ હતી. આ રોડ ઉપર ઓવરબ્રિજ બાંધવા માંગ કરાઈ હતી. સાંસદ વિનોદભાઈ ચાવડા અને પ્રમુખ દિનેશ ગુપ્તાના વડપણ તળેના ચેમ્બરના પ્રતિનિધિ મંડળમાં સહમંત્રી મહેશ પૂજ, કારોબારી સભ્યો મહેશ તીર્થાણી, બળવંત ઠક્કર, દીપક પારખ વગેરે જોડાયા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer