લખપત તા.પં.ના મહિલા સભ્ય સામેની પક્ષાંતર વિશેની અરજી નામંજૂર

દયાપર (તા. લખપત), તા. 22 : અત્યંત રસપ્રદ રાજકીય ખેંચતાણ વચ્ચે લખપત તાલુકા પંચાયતમાં સત્તા કબજે કરવા માટે ભાજપને સમર્થન આપનાર વીણાબેન બાબુભાઇ અંસારીને તાલુકા પંચાયત સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવાની માંગ સાથે કરવામાં આવેલી કોંગ્રેસના સભ્ય સમરથદાન ગઢવીની અરજી ગુજરાત રાજ્ય નામોનિર્દિષ્ટ અધિકારી દ્વારા નામંજૂર કરવામાં આવી છે. તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સમયે કોંગ્રેસના નિશાન પર ચૂંટાયેલા વીણાબેન અંસારીએ પ્રમુખ તરીકે ભાજપના સભ્યો નૂરબાઇ હાસમભાઇ? મંધરા અને ઉપપ્રમુખ તરીકે વિક્રમસિંહ સતુભા સોઢાને પોતાનો મત આપતાં લખપત તાલુકા પંચાયતમાંથી કોંગ્રેસના શાસનનો અંત આવ્યો હતો, જેના કારણે કોંગ્રેસના સભ્ય સમરથદાન ગઢવીએ રાજ્યના નાર્મોનિર્દિષ્ટ અધિકારી સમક્ષ વીણાબેન અંસારીને પક્ષાંતર અધિનિયમ 1986ની કલમ 3 હેઠળ તાલુકા પંચાયતના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવાની અરજી કરી હતી. જે અનુસંધાને ગુજરાત નામોનિર્દિષ્ટ અધિકારીની કોર્ટમાં?થયેલી આખરી સુનાવણીમાં ભાજપ  વતી એડવોકેટ જયદીપસિંહ વાઘેલાએ દલીલો કરી હતી. નામોનિર્દિષ્ટ અધિકારીના તારણ મુજબ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી વખતે કોંગ્રેસ દ્વારા વીણાબેનને વ્હીપ જારી કરેલ ન હોઇ પક્ષની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી તથા આ સંદર્ભે અન્ય એક કેસમાં હાઇકોર્ટ ડિવિઝન બેચના ચુકાદાને ધ્યાનમાં રાખીને વીણાબેનને પક્ષાંતર ધારા હેઠળ સભ્યપદે ગેરલાયક ઠેરવવાની માગણીવાળી કોંગ્રેસના સભ્ય સમરથદાનની તારીખ 4/7/2018વાળી અરજી નામંજૂર કરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તાલુકામાં સત્તા ગુમાવ્યા પછી પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયાને પડકારતી કોંગ્રેસની અરજી થોડા સમય પહેલાં જ હાઇકોર્ટ દ્વારા નામંજૂર થયા પછી સભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજી પણ નામંજૂર થતાં લખપત કોંગ્રેસને સતત બીજી વખત કાયદાકીય હારનો સામનો કરવો પડયો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer