ગાંધીધામમાં ચોરાયેલી 11.33 લાખની મગફળી પૈકી 200 બોરી ટ્રકમાં લઇ જવાતાં ઝડપાઇ

ગાંધીધામ, તા. 22 : શહેરના ગણેશનગર સામે જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલા જી.એસ.ડબલ્યુ.સી.ના વેર હાઉસમાંથી થયેલી રૂા. 11,33,054ની 654 મગફળીની બોરી પૈકી 200 બોરી એલ.સી.બી.એ જપ્ત કરી હતી. પરંતુ ટ્રકચાલક સહિતના આરોપીઓ નાસી ગયા હતા. સ્થાનિક ગુનાશોધક શાખા ગત રાત્રે પેટ્રોલિંગમાં હતી, દરમ્યાન જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલા એમ.એમ.સી. ગોદામ પાછળના ભાગે એક ટ્રક નજરે પડી હતી. ટ્રક નંબર જી.જે. 12-એ.યુ.-5384 ઉપર પોલીસ વાહનની લાઇટ પડતાં આરોપીઓ નાસી ગયા હતા. દરમ્યાન અહીં ટ્રકમાં ભરેલી તથા નાફેડ સંસ્થા દ્વારા ખરીદ કરેલી રૂા. 2 લાખની 200 બોરી મગફળી પોલીસે જપ્ત કરી હતી. આ ટ્રક, મગફળી, મોબાઇલ વગેરે પોલીસે રૂા. 9,00,000નો મુદ્દામાલ આ જગ્યાએથી હસ્તગત કર્યો હતો. દરમ્યાન આ સરકારી ગોદામના અધિકારીઓએ તપાસ કરતાં પોતાના ગોદામમાંથી વધુ મગફળીની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે જી.એસ.ડબલ્યુ.સી.ના આ ગોદામ નંબર 7માંથી રૂા. 11,33,054ની 654 બોરી મગફળીની ચોરી થઇ હતી. તાળાં તોડયા વગર કે દીવાલ તોડયા વગર આ મગફળીની ચોરી ગત તા. 11-1થી 22-1ના રાત્રે 3.20 દરમ્યાન થઇ હતી. સરકારી એવી નાફેડ સંસ્થા દ્વારા ટેકાના ભાવે ખરીદ કરેલી પી.એસ.એસ. મગફળીની ચોરીના આ બનાવ અંગે ગોદામના ચોકીદાર ચૂનીલાલ બાવન ગામરાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સરકારી ગોદામમાંથી તાળાં કે દીવાલ તોડયા વગર લાખોની મગફળીની ચોરી થતાં આ કાંડમાં જાણભેદુ પણ સંડોવાયેલા હોવાનું હાલમાં મનાય છે. તેમજ અગાઉ કંડલામાં તેલ ચોરી, અન્ય ચોરીના કાંડમાં આવી ગયેલા અંજારના રાજકીય અગ્રણીના પુત્રનું નામ પણ બહાર આવતું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, પરંતુ પોલીસે હાલમાં અન્ય કાંઇ બહાર ન આવ્યું હોવાનું તથા તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer