ફરિયાદ કે વીમા કંપનીને જાણ ભલે મોડી થાય પણ વળતરનો હક્ક કાયમ

ભુજ, તા. 22 : વાહનની ચોરીના કેસમાં વાહનમાલિક દ્વારા ભલે પોલીસ ફરિયાદ મોડી કરાઇ હોય અને વીમા કંપનીને જાણ પણ મોડી કરાઇ હોય આમ છતાં તે પૂરેપૂરી રકમનું વળતર મેળવવા માટે હકકદાર છે તેવું કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા તાજેતરમાં એક કેસમાં ગ્રાહક તરફે ચુકાદો આપતાં જણાવાયું હતું. ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામના શંભુભાઇ સવાભાઇ બાવાની માલિકીનું ટેન્કર  ડિસેમ્બર-2013માં ચોરાઇ જવાના કિસ્સામાં કચ્છ ફોરમ દ્વારા આ ચુકાદો અપાયો હતો. આ પ્રકરણમાં વાહનના માલિક દ્વારા ચોરીની એફ.આઇ.આર. મોડી કરાઇ હોવાનું અને વીમા કંપનીને જાણ પણ મોડી કરાઇ હોવાનું કારણ બતાવી વળતરનો દાવો નામંજૂર કરતાં આ કેસ ફોરમ સમક્ષ લઇ જવાયો હતો. આ કેસની સુનાવણી દરમ્યાન સર્વોચ્ચ અદાલત અને ફોરમના રાષ્ટ્રીય અને રાજય કમિશન દ્વારા તાજેતરમાં અપાયેલા ચુકાદા ટાંકવામાં આવ્યા હતા. જેનો અભ્યાસ કરવા સાથે બન્ને પક્ષની દલીલો સાંભળી ફોરમના અધ્યક્ષ એન.ટી. સોલંકી તથા સભ્યોએ એવું તારણ આપ્યું હતું કે વીમા કંપની ધી યુનાઇટેડ ઇન્ડિયા એસ્યોરન્સ લિમિટેડએ વળતર ન આપવા માટે ખોટા અને બિનતાર્કિક કારણો આગળ ધર્યા છે અને સેવામાં ગંભીર ખામી દર્શાવી છે. ફરિયાદીને વળતરની રૂા. પાંચ લાખની રકમ વ્યાજ અને ખર્ચની રકમ સાથે ચૂકવાય તેવો આદેશ કરાયો હતો. આ કેસમાં વાહનમાલિક ગ્રાહકના વકીલ તરીકે રાજેશ પ્રેમજીભાઇ ઠકકર, વિક્રમ વાલજીભાઇ ઠકકર અને હાર્દિક એન. જોબનપુત્રા રહ્યા હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer