મેઘપર (બો.)માં નલિયાના વિસ્તરણ અધિકારી ઉપર લાકડી વડે હુમલો

ગાંધીધામ, તા. 22 : અંજાર તાલુકાનાં મેઘપર બોરીચીમાં આશાપુરા પાર્ક સોસાયટીના એક ઘરમાં ઘૂસી પાંચ શખ્સોએ અબડાસા તાલુકા પંચાયત નલિયા સેન્ટરના વિસ્તરણ અધિકારી ઉપર હુમલો કર્યો હતો. બીજી બાજુ ગાંધીધામના ગળપાદરમાં ઉછીના આપેલા રૂા. 500 મુદ્દે એક ઇસમે યુવાન ઉપર છરી વડે હુમલો ર્ક્યો હતો. નલિયા પંચાયતમાં વિસ્તરણ અધિકારી અને અગાઉ ગાંધીધામ તાલુકાના તલાટી એવા અશ્વિન અમૃતલાલ વ્યાસ પોતાના ઘરે હતા. દરમ્યાન ગજુભા ઉર્ફે ગજેન્દ્રસિંહ દિલુભા ઝાલા અને અન્ય ચાર શખ્સો તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને અગાઉ કરેલી પોલીસ ફરિયાદનું મનદુ:ખ રાખી આ આધેડ ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. બીજી બાજુ ગળપાદરમાં ગેરેજ ધરાવતા કમરે અબ્દુલ રશીદ આલમ નામના યુવાન પાસે ખુરશીદ ઇમ્તિયાઝ શેખ નામનો ઇસમ આવી ઉછીના આપેલા રૂા. 500 માગ્યા હતા. આ યુવાને સાંજે પૈસા પરત આપી દીધા બાદ ખુરશીદ શેખ ફરીથી તેની પાસે આવી ઝઘડો કરી તેના ઉપર છરી વડે હુમલો કર્યો હતે. આ બનાવમાં યુવાનને હાથ, પેટ અને સાથળમાં ઇજાઓ પહોંચી હતી. આ બન્ને બનાવોમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer