જી. પિલર પાસે પાકિસ્તાની બોટ પકડાઇ

જી. પિલર પાસે પાકિસ્તાની બોટ પકડાઇ
નારાયણસરોવર, તા. 11 (પ્રતિનિધિ દ્વારા) : કચ્છ સહિત દેશની જળસીમાએ અટપટા ક્રીક વિસ્તાર વચ્ચે જી. પિલર 32 નજીકથી સીમા સુરક્ષા દળના જવાનોએ આજે એક પાકિસ્તાની બોટ બિનવારસુ હાલતમાં પકડી પાડી હતી. આ એન્જિનવાળી બોટમાં સવાર માછીમાર મનાતા ચારેક પાકિસ્તાની નાસી છૂટયા હતા. ઝડપાયેલી બોટને કોટેશ્વરના કાંઠે લઇ અવાઇ છે. સત્તાવાર સાધનો પાસેથી મળેલી માહિતી મુજબ, કાંઠે લવાયેલી બોટની સર્વગ્રાહી છાનબીન સીમાદળ દ્વારા હાથ ધરાઇ છે. તેમાં કોઇ સંદિગ્ધ ચીજવસ્તુ છે કે કેમ તેની ચકાસણી  કરવામાં આવી રહી છે. અલબત્ત,  આજે રાત્રિ સુધીમાં હજુ કાંઇ વાંધાજનક મળ્યું નથી. જો કે ત્રણ મોબાઈલ ફોન અને એક સીમકાર્ડ મળી આવ્યા છે. બહાર આવેલી વિગતો અનુસાર, સીમાદળ 108 બટાલિયનના જવાનો સાગર પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ભારતીય જળસીમામાં માછીમારી કરતા ઇસમો દેખાયા હતા. બી.એસ.એફ.ની સ્પીડ બોટ તે તરફ ધસી જતાં અવાજ સાંભળીને માછીમાર મનાતા ઇસમો અંધારાનો લાભ લઇને નાસી ગયા હતા. આ પછી ક્રીકમાં શોધખોળ દરમ્યાન સંતાડીને રખાયેલી એન્જિનવાળી બોટ બિનવારસુ મળી આવી હતી. બોટને કાંઠે લઇ અવાયા બાદ એક બાજુ તેની છાનબીન ચાલી રહી છે, તો બીજી બાજુ નાસી છૂટેલા ઇસમો માછીમાર જ હતા કે અન્ય કોઇ તે સહિતની વિગતો માટેનો વ્યાયામ પણ હાથ ધરાયો છે તેવું સાધનોએ ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જી. પિલર 46 પાસેથી પણ આ અગાઉ તા. 26/11/18ના બોટ પકડાઇ હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer