હૂંફાળા હવામાન વચ્ચે કચ્છમાં વરસાદનો વર્તારો

હૂંફાળા હવામાન વચ્ચે કચ્છમાં વરસાદનો વર્તારો
ભુજ, તા. 11 : પરંપરાગત શીતમથક નલિયા સહિત કચ્છના મોટાભાગના વિસ્તારોમાં રાત્રિનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઉપર ચાલ્યું જતાં શુક્રવારે વર્તાયેલા પ્રમાણમાં હૂંફાળા હવામાન વચ્ચે આવતીકાલે શનિવારે જિલ્લામાં ભરશિયાળે વરસાદી ઝરમરનો વર્તારો મળી રહ્યો છે. આજે પણ ચોમાસુ માહોલ સર્જાયો હતો.આજે સવાર ઊગતાંની સાથે ભેજના ઊંચા પ્રમાણ અને ગોરંભાયેલા વાદળો વચ્ચે સૂર્યનારાયણનો પ્રભાવ ઓસરતાં ભુજ સહિતના ભાગોમાં વરસાદ પછી હોય તેવી  ટાઢક વર્તાઇ હતી. બહાર નીકળેલા લોકોએ ઠંડક અનુભવી હતી.ગુજરાત રાજ્યના હવામાન વિભાગના નાયબ નિયામક મનોરમા મહંતીએ `કચ્છમિત્ર' સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, પશ્ચિમી વિક્ષોભની અસર તળે રાજસ્થાનમાં સર્જાયેલી સાયકલોનિક સરક્યુલેશનની સ્થિતિ કાલે કચ્છમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદ વરસાવે તેવી શક્યતા દેખાય છે.આજે શુક્રવારે દિવસ દરમ્યાન રહ્યું હતું તેવું જ વાદળછાયું વાતાવરણ શનિવારે રહી શકે છે. જો કે આવો ચોમાસુ માહોલ એક દિવસ પૂરતો જ રહી શકે છે તેવું તેમણે ઉમેર્યું હતું.સામાન્ય રીતે ઠારમાં થરથરતા નલિયામાં શુક્રવારે 12.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું, તો જિલ્લામથક ભુજમાં પારો ઊંચકાઇને 16 ડિગ્રી પર પહોંચ્યો હતો. સવારે 94 ટકા જેટલા ઊંચા ભેજ સાથે પવનની સાવ મંદ પડેલી ગતિથી ઠારની તીવ્રતા ઘટી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer