અંકુશરેખા પર નાપાક હુમલામાં મેજર શહીદ

શ્રીનગર, તા. 11 : પાકિસ્તાનના ભારત?વિરોધી નાપાક વલણની પ્રતીતિ કરાવતા વધુ એક ઘટનાક્રમમાં પાકની બોર્ડર એક્શન ટીમ (બેટ) દ્વારા લગાતાર ચોથા દિવસે આજે યુદ્ધ વિરામ ભંગ કરતાં રાજૌરી અને પુંચ જિલ્લામાં કરાવાયેલા આઈઈડી ધડાકામાં ભારતીય સૈન્યના એક મેજર સહિત બે જવાન શહીદ થઈ ગયા હતા. ભારતીય સેનાએ વળતા વારમાં જડબાતોડ જવાબ આપ્યો હતો. દરમ્યાન ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે શુક્રવારે પત્રકારોને જણાવ્યું હતું કે વારંવાર મંત્રણા માટે કરાતા પાકિસ્તાનના પ્રસ્તાવોમાં કોઇ ગંભીરતા નથી. બન્ને જવાન ઘાયલ થતાં હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમણે દમ તોડયો હતો. બેટ અને સંદિગ્ધ આતંકવાદીઓએ રાજૌરી જિલ્લાના નૌશેરા ક્ષેત્રમાં આ હુમલો કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, નિયંત્રણરેખા નજીક ગોળીબાર સાથે નાપાક હુમલા બાદ ભારતીય સુરક્ષાદળોને એલર્ટ કરી દેવાયા હતા. બીજી તરફ, શ્રીનગરના લાલચોકમાં પાલડિયમ સિનેમા નજીક સીઆરપીએફના એક બંકર પર નિશાન સાધતાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા કુમારે કહ્યું હતું કે, પાક વાતચીત માટે તૈયાર છે, તો મુંબઇ અને પઠાણકોટ હુમલાના અપરાધી આતંકવાદીઓ વિરુદ્ધ કોઇ પગલાં કેમ લીધાં નથી.ખાસ ઉલ્લેખનીય છે કે 2018ના વરસમાં સીમા પર પાકિસ્તાન દ્વારા 2936 વખત યુદ્ધ વિરામ ભંગની છીછરી હરકત કરાઇ છે જે છેલ્લા 15 વરસમાં સૌથી મોટો આંકડો છે. પાકિસ્તાન દ્વારા સતત જારી શેલિંગ અને ગોળીબારના પગલે ભારતમાં નિયંત્રણરેખા નજીકના સીમાવર્તી ગામોના નાગરિકો સતત ભયના ઓથાર તળે જીવી રહ્યા છે. ચાલુ મહિનાના 10માંથી આઠ દિવસ સુધી સતત પાકિસ્તાની દળોએ ગોળીબાર જારી રાખ્યો હતો. ગઇકાલે ગુરુવારે પણ પાકિસ્તાની દળોએ રાજૌરી તેમજ પુંચ પર નિશાન સાધીને ગોળીબાર કરતાં સૈન્યના એક મેજર અને એક બીએસએફ જવાનને ઇજાઓ થઇ હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer