પદભ્રષ્ટ થયાના બીજા દિવસે વર્માનું `નારાજીનામું''

નવી દિલ્હી, તા. 11 (પીટીઆઈ) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ઉચ્ચ સમિતિએ પદભ્રષ્ટ કર્યાના એક દિવસ બાદ આજે સીબીઆઈના પૂર્વ ડાયરેક્ટર આલોક વર્માએ અગ્નિશમન વિભાગના વડા બનવાનો ઈન્કાર કર્યો હતો અને રાજીનામું આપી દીધું હતું. વર્માએ રાજીનામાપત્રમાં જણાવ્યું હતું કે, ઉચ્ચ સિલેક્શન સમિતિએ મારી બદલીના નિર્ણય પૂર્વે સીવીસીના હેવાલની વિગતો અંગે ખુલાસો કરવાનો પણ મને મોકો આપ્યો નહીં. આ સામૂહિક આત્મનિરીક્ષણનો સમય છે. કર્મચારી બાબતો અને તાલીમ વિભાગના સચિવને પાઠવેલા પત્રમાં અગાઉ વર્માએ જણાવ્યું હતું કે, તેઓ 31 જુલાઈ-2017થી નિવૃત્તિ પહેલાંની રજા (સવેતન નિવૃત્તિ) પર ઊતરી ગયા હતા અને 31મી જાન્યુઆરી-2019 સુધી માત્ર સીબીઆઈના ડાયરેક્ટર તરીકે સરકારની ફરજ બજાવતા હતા. તેઓ હવે સીબીઆઈના ડાયરેક્ટર રહ્યા નથી અને અગ્નિશમન, નાગરિક સંરક્ષણ  અને હોમગાર્ડના ડી.જી. તરીકે  તેઓ સવેતન નિવૃત્તિની વય વટાવી ગયા છે.  વર્માએ મોદીના નેતૃત્વ હેઠળની સમિતિ પર નિશાન તાકતાં આક્ષેપ કર્યો હતો કે સમિતિનો નિર્ણય કુદરતી ન્યાયની વિરુદ્ધ છે. તેમણે મને સ્પષ્ટતા કરવાની તક પણ આપી નહીં. જેમના વિરુદ્ધ ખુદ સીબીઆઈ તપાસ કરી રહી છે એવા વ્યક્તિના આક્ષેપો પર સીવીસીનો સમગ્ર હેવાલ આધારિત હતો અને સમગ્ર તપાસ પર દેખરેખ રાખી રહેલા ન્યાયાધીશ (નિવૃત્ત) એ.કે. પટનાયક સમક્ષ ફરિયાદી (રાકેશ અસ્થાના) ક્યારેય હાજર થયા નહોતા. વળી, ખુદ પટનાયકે પણ કહ્યું હતું કે, આ તારણો મારાં નથી. વર્માએ સરકાર પર પ્રહાર કરતાં નિર્દેશ કર્યો હતો કે ગઈકાલનો નિર્ણય એ વાતની સાક્ષી પૂરે છે કે મોટાભાગના શાસક પક્ષના સભ્યો જેને પસંદ કરે છે એ સીવીસી થકી સરકાર સીબીઆઈ જેવા સંસ્થાન સાથે કેવો વ્યવહાર કરે છે. આ સામૂહિક આત્મનિરીક્ષણનો સમય છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer