જયંતી ભાનુશાલી હત્યાકેસ બે ફોન નંબર, એક કાર નંબર મજબૂત કડી

ભાર્ગવ પરીખ દ્વારા   અમદાવાદ, તા. 11 : કચ્છ ભા.જ.પ. ના દિગ્ગજ નેતા જયંતી ભાનુશાલીની હત્યાની કડીઓ ધીમેધીમે જોડાતી જાય છે અને ધીમેધીમે મુંબઈ થઇને ઉત્તરપ્રદેશ સુધી પહોંચે છે. પોલીસને મળેલા કેટલાક ફોન નંબર અને એક હોન્ડા સિટી કારનો નંબર મજબૂત કડી બની રહ્યો છે. રાજકોટની એક કાર અને વાપીનો એક ફોન નંબર તથા મહારાષ્ટ્રના એક ફોન નંબર સાથે આખાય કેસના તાણાવાણા જોડાતા જાય છે, જેના આધારે પોલીસ આવનારા થોડા સમયમાં જયંતી ભાનુશાલીના હત્યારા સુધી પહોંચી શકશે. ગુજરાત ભા.જ.પ.ના અબડાસાના ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલી છેલ્લા એક વર્ષમાં ઘણા વિવાદોમાં આવ્યા હતા. એપ્રિલ 2018માં અમદાવાદની એક કોફી શોપમાં એમના ભત્રીજાને બ્લેકમેલ કરતા કેટલાક લોકોને સમાધાન પેટે 25 લાખ આપ્યા હતા અને એની પુષ્ટિ એમનો ભત્રીજો ખુદ પોલીસ સમક્ષ કરી ચૂક્યો છે પણ છેલ્લા કેટલાક સમયથી એમને દક્ષિણ ગુજરાતના એક ફોન નંબર પરથી અને મહારાષ્ટ્રના બીજા એક ફોન નંબર પરથી ધમકીઓ મળતી હતી  અને આ અંગે એમને 7 ડિસેમ્બરે ગુજરાતના પોલીસવડા શિવાનંદ ઝાને પણ જાણ કરી હતી ત્યારબાદ એ પોતાની ગન કાયમ સાથે રાખતા હતા.  પોલીસ દ્વારા આ તપાસમાં બે મહત્ત્વની કડી ભાનુશાલીની હત્યા થઇ હતી એ ક્રાઇમ સીનના ફોટા પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે જયંતીભાઈ ઊંઘમાં હતા ત્યારે એમની પર ગોળીબાર થયો નથી અને એશ કલરનું પેન્ટ અને આડી લાઇનિંગવાળું ટી-શર્ટ પહેરેલા જયંતીભાઈની લાશ કોચના બર્થ પર આડી પડી છે એટલે કે બર્થના નીચેના ભાગમાં પગ છે અને છાતીનો ભાગ બર્થ પર છે એટલે કે એ ઊભા હતા ત્યારે એમની પર ગોળી છોડવામાં આવી છે એટલું જ નહીં એમની પાસેની બ્લ્યુ કલરની બેગ ખોલી એમાંથી કોઈ વસ્તુ ફંફોસવાનો પ્રયાસ થયો છે. તપાસ કરી રહેલા ગુજરાતના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જન્મભૂમિ પત્રો સાથે કરેલી વાતચીતમાં કહ્યું કે જયંતીભાઈ જ્યારે મુસાફરી કરવાના હતા એના બે દિવસ પહેલાં રાજકોટના રજિસ્ટ્રેશન થયેલી એક હોન્ડા કાર કેટલાક દિવસથી અહીં રેકી કરી રહી હોવાની જાણકારી મળી છે એટલું જ નહિ ડિસેમ્બર મહિનામાં જયંતીભાઈને દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના નંબર પરથી ધમકી ભર્યા ફોન આવતા હતા એ ફોન હાલ બંધ આવે છે પરંતુ એનું લોકેશન કચ્છમાં મળ્યું છે અને ફોરેન્સિક સાયન્સમાં મળેલા પ્રાથમિક બેલેસ્ટિક રિપોર્ટ પ્રમાણે જયંતીભાઈ પર થયેલા હિંસક હુમલામાં વપરાયેલી ગન ઉત્તર પ્રદેશમાં ગેરકાનૂની રીતે બનતી ગન સાથે મેચ થાય છે અને મહારાષ્ટ્રનો જે નંબર બંધ મળે છે એના જૂના રેકોર્ડ જોતાં ઉત્તરપ્રદેશના ગેરકાનૂની હથિયારો વેચવાવાળા સાથેના સંપર્કો જણાઈ આવે છે. આ જોતાં અમે જલ્દી આ કાર અને ફોન નંબરના આધારે હત્યારા સુધી પહોંચી શકીશું   દરમ્યાન જયંતીભાઈ ભાનુશાલીના ભત્રીજા સુનીલ ભાનુશાલી સાથે સંપર્ક કરતાં એણે જન્મભૂમિપત્રો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મારા કાકા જયંતીભાઈને ભાઉ નામના અસામાજિક તત્ત્વ તરફથી ધમકી મળતી હતી અને એની મેં પોલીસને આ અંગે જાણ પણ કરી છે પરંતુ પોલીસ કેટલી ઝડપથી કામગીરી કરે છે એ જોવાનું છે દરમ્યાનમાં ગુજરાત એ.ટી.એસ.ના વડા હિમાંશુ શુક્લએ આ લખનારને કહ્યું કે હાલ પોલીસને જયંતીભાઈના હત્યા કેસમાં ગણી `લીડ' મળી છે પરંતુ તપાસ ચાલુ હોવાથી આ અંગે વધુ જાણકારી આપવાનો ઇન્કાર કરતાં એમણે કહ્યું કે અમારી પાસે આવેલા ફોન કોલની વિગત, અમુક કારની હેરાફેરી અને ક્રાઇમ સીન પરથી ઘણી લીડ મળી છે અને નજીકના સમયમાં હત્યારા પોલીસના હાથમાં હશે અને આ આંતરરાજ્ય ગુનેગારોની ટોળકી છે. 

મનીષાની ધરપકડ ?   ભુજ, તા. 11 : કચ્છ ભાજપના મોટાગજાના નેતા જયંતીભાઇ ભાનુશાલીની કરપીણ હત્યાના મામલામાં ચોમેર જોરશોરથી થઇ રહેલી તપાસ વચ્ચે આજે તપાસનીશ સીટની ટુકડીને અત્યંત મહત્ત્વની કહી શકાય તેવી સફળતા હાથ લાગી હોવાના અહેવાલ રાત્રે સપાટી ઉપર આવ્યા છે. સમગ્ર પ્રકરણમાં જેની ભૂમિકા મુખ્ય નાયિકાની હોવાનું મનાય છે અને જેનું નામ પણ ફરિયાદમાં     મનીષાની ધરપકડ ?   છે તેવી મહિલા મનીષા ગોસ્વામી ઝડપાઇ હોવાના સમાચાર બહાર આવ્યા છે.   સત્તાવાર રીતે ભલે આ બાબતને હજુ જાહેર કરાઇ નથી પણ ટેલિવિઝન સમાચાર ચેનલના અહેવાલ અનુસાર મૂળ કચ્છના નખત્રાણા તાલુકાના ધાવડા ગામની અને વાપી પરણાવાયેલી મનીષા ગોસ્વામી કે જે છેલ્લા પાંચેક દિવસથી લાપતા હોવાનું કહેવાતી હતી તેને આજે કચ્છમાંથી જ સીટની ટુકડીએ પકડી પાડી છે. ઝડપાયા બાદ મનીષાએ કેટલાક ચોંકાવનારા ખુલાસા સાથેની મહત્ત્વની વિગતો આપી હોવાનું પણ કહેવાઇ રહ્યું છે. જયંતીભાઇની હત્યા સુરજિત ભાઉ અને શેખર મોરે નામના બે શૂટર દ્વારા કરાયાનું તેની કેફિયત ઉપરથી સ્પષ્ટ થયું છે. આ બન્ને જણ ગત તા. 3જીના મુંબઇથી ભુજ આવેલા વિમાનમાં મનીષા સાથે ભુજ પહોંચ્યા હોવાની માહિતી પણ સપાટીએ આવી રહી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer