જયંતી ભાનુશાલીના બે હત્યારા ઓળખાયા

અમદાવાદ, તા. 11 (અમારા પ્રતિનિધિ તરફથી) : ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને કચ્છ-અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીની હત્યાના પાંચમા દિવસે ગુજરાત પોલીસે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં ભાનુશાલીને ગોળી મારનાર બંને હત્યારાઓને ઓળખી કાઢ્યા હોવાનું અત્યંત ટોચનાં સૂત્રોએ જણાવ્યું છે. હત્યાની ઘટના બાદ તેઓ એક બેગ સાથે ટ્રેનમાંથી ભાગી નીકળ્યા, ત્યારબાદ એક સ્થળના સીસી ટીવીમાં તેઓ આવી જતાં તેમની ઓળખ થઇ ગઇ છે. આ કેસનું પગેરું મુંબઇ-પુના સુધી પહોંચ્યું છે. બે શાર્પ શૂટર સહિત ચાર વ્યક્તિઓએ ટ્રેનમાં ઘૂસીને જયંતી ભાનુશાલીની હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. આ કેસમાં પુનાના  ભાઉ નામના શાર્પ શૂટરનું નામ સામે આવ્યું છે. એટલું જ નહીં, હત્યામાં બે હથિયારનો જ ઉપયોગ થયો હોવાનું ખૂલ્યું છે. આ હત્યાકેસમાં એક મહિલાની પણ સંડોવણી હોવાનું સમજાય છે. આ હત્યારાઓને ઝડપી લેવા માટે રાતોરાત અનેક ટીમોને વિવિધ સ્થળે રવાના કરવામાં આવી છે.  જયંતી ભાનુશાલીની ટ્રેનમાં થયેલી હત્યા બાદ ભાનુશાલીના પરિવાર દ્વારા કચ્છ ભાજપના નેતા છબીલ પટેલ, ભાનુશાલીની પૂર્વ મહિલા મિત્ર મનીષા અને એક પત્રકાર સહિત કુલ્લ પાંચ વ્યક્તિ સામે હત્યામાં કથિત સંડોવણીનો ગુનો નોંધાયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લેતાં ડીજીપી શિવાનંદ ઝાએ આ મામલે ખાસ તપાસ દળની રચના કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, સીઆઇડી ક્રાઇમ અને ગુજરાત એટીએસ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવેલી તપાસમાં એક પછી એક શંકાસ્પદ લોકોને તપાસમાં આવી રહ્યા છે.  જયંતી ભાનુશાલીની હત્યાના સાત દિવસ પહેલાંથી અસંખ્ય સ્થળનાં સીસી ટીવી ફૂટેજ લેવામાં આવી રહ્યાં હતાં. આ ઉપરાંત હત્યાની ઘટના પહેલાં અને ત્યારબાદનાં પણ સીસી ટીવી  જોવામાં આવી રહ્યાં હતાં. આ દરમ્યાન પોલીસને મહત્ત્વપૂર્ણ જાણકારી મળી છે. તા. 3 જાન્યુઆરીના કેટલાક અજાણ્યા માણસો સાથે ભુજ આવેલી મનીષા એકાએક રહસ્યમય રીતે ગાયબ થઇ ગઇ છે. આ માણસો કોણ હતા અને શું કામ આવ્યા હતા તેની જાણકારી મળતી નથી, પરંતુ હત્યાના બે દિવસ પહેલાં મનીષા પોતાનો મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી ગાયબ થઇ જવાને પોલીસ સૂચક માની રહી છે.  મનીષાનો ફોન બંધ થઇ જતાં પોલીસ તેનો સંપર્ક કરી શકતી નથી. આમ છતાં મનીષા ક્યાં છે તે શોધી કાઢવા માટે સંખ્યાબંધ ટીમો કામે લાગી છે, પણ મનીષા હજુ સુધી મળી નથી.  પોલીસ માની રહી છે કે તા. 3 જાન્યુઆરીએ મનીષા ભુજ આવી ત્યારે તેની સાથે આવેલા અજાણ્યા માણસો જ શૂટર હતા. ટ્રેનમાં ગોળી ચલાવનાર કોણ હતા તેની શોધ દરમ્યાન પોલીસને એક સીસી ટીવી ફૂટેજ મળ્યું છે, જેમાં આ શૂટરો નજરે પડે છે. તેમના હાથમાં એક બેગ છે, જે બેગ તેઓ ભાનુશાલીની સમજી લઇ ભાગ્યા હતા. ખરેખર તે બેગ ભાનુશાલીની સામે બેઠેલા મુસાફર પવન મૌર્યની હતી. અધિકારીનો દાવો છે કે તેમની સામે હવે શૂટરના ચહેરા આવી ગયા છે અને તેઓ કોણ છે તેમને ઓળખી પણ લીધા છે. ટૂંક સમયમાં આખો કેસ સ્પષ્ટ થઇ જશે.  શૂટરો હત્યા બાદ ભાનુશાલીનો એક ફોન લઇ   ગયા છે અને ભાનુશાલીની બેગ સમજી સહપ્રવાસીની બેગ લઇ  ગયા છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે જયંતી ભાનુશાલી પાસે એવી કોઇ મહત્ત્વની બાબત હતી કે જેના આધારે તેઓ કોઇને બ્લેકમેઈલ કરી શકે તેવા પુરાવા તેમની બેગમાં અથવા તેમના ફોનમાં હશે તેવું હત્યારા જાણતા અને માનતા હતા, જેના કારણે તેઓ ફોન અને બેગ લઇ ગયા છે. પોલીસનો દાવો છે કે આ હત્યાને અંજામ આપવામાં જયંતી ભાનુશાલીની કોઇ નજીકની વ્યક્તિએ પણ માહિતી આપવામાં મદદ કરી છે. જયંતી ભાનુશાલી કઇ તારીખે અને કેવી રીતી મુસાફરી કરવાના છે તે માહિતી હત્યારા સુધી પહોંચી કેવી રીતે, આ ઉપરાંત તેઓ કયા કોચમાં કઇ સીટ ઉપર બેઠા છે તેની ચોક્કસ માહિતી પણ ભાનુશાલીની નજીકની વ્યક્તિએ જ પૂરી પાડી હોવી જોઇએ તેવું પોલીસ માની રહી છે. આ હત્યાકેસમાં મુંબઇ-પુનાના શાર્પ શૂટરની સંડોવણી સામે આવતાં ગુજરાત પોલીસે તપાસ મુંબઇ-પુના સુધી લંબાવી છે. હત્યાકેસમાં બંને શાર્પ શૂટર પ્રોફેશનલ હોવાનું જાણવા મળે છે. હત્યારાઓએ કુલ્લ પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જેમાંથી બે ગોળી જયંતી ભાનુશાલીને વાગી હતી, જ્યારે બે મિસ ફાયર થયા હતા અને એક રાઉન્ડ ફાયરિંગ મિસ થયું હતું. પોલીસ દ્વારા ભાનુશાલી જે કોચમાં મુસાફરી કરતા હતા તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. જોકે, આગામી ટૂંક સમયમાં સમગ્ર હત્યાકાંડ સ્પષ્ટ થઇ જશે તેમ પોલીસનું કહેવું છે. દરમ્યાન, આ કેસમાં તપાસ કરી રહેલી પોલીસે કચ્છના મોટા કારોબારી જયંતી ઠક્કર અને તેના ભાગીદાર હાજી મોહમ્મદ સિદ્દિક જુણેજાની પૂછપરછ હાથ ધરતાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. મહત્ત્વનું છે કે જયંતી ભાનુશાલી હત્યાકેસમાં જયંતી ઠક્કર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આથી ઠક્કરને ભાનુશાલીના આર્થિક વ્યવહારો અંગે પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસમાં અન્ય જેની પૂછપરછ કરવામાં આવી છે તે હાજી મોહમ્મદ સિદ્દિક જુણેજા ભુજ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer