કંડલા બંદરના આયાતી તાંબાની ચોરીના ચકચારી મામલામાં તમામ 27 આરોપી નિર્દોષ મુકત કરાયા

ભુજ, તા. 11 : મહાબંદર કંડલા ખાતે આયાત કરાયેલા તાંબાના જથ્થામાંથી રૂા. 11 લાખની કિંમતનો જથ્થો ચોરી થવાના દોઢ દાયકા જૂના અને સી.આઇ.એસ.એફ.ના જવાનોની સંડોવણીવાળા ભારે ચકચારી કિસ્સામાં તમામ 27 આરોપીને અદાલત દ્વારા નિર્દોષ મુકત કરતો ચુકાદો અપાયો હતો.   ડિસેમ્બર-2004માં આ કિસ્સો બહાર આવ્યો હતો. જે વિશે કંડલા પોર્ટના સુશીલકુમાર પ્રેમસાગર ગોયલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. આ પ્રકરણમાં કુલ્લ 27 આરોપીની ધરપકડ કરાઇ હતી. તો કિસ્સામાં સી.આઇ.એસ.એફ.ના જવાનોએ લાંચ લઇને માલ કઢાવવાની કાર્યવાહીમાં મદદ કરી હોવાના આરોપ સાથે આ દળના ત્રણ જવાન ચન્દ્રમણિ શ્રીયજ્ઞનારાયણ મિશ્રા, રાજેશકુમાર યાદવ અને અક્ષયકુમાર શ્રીહરાસિંગની ધરપકડ કરીને તેમના રિમાન્ડ પણ મેળવાયા હતા. આ જવાનોને બાદમાં ફરજમાંથી બરતરફ પણ કરાયા હતા.   ગાંધીધામના અધિક ચીફ જયુડીશિયલ મેજિસ્ટ્રેટ શ્રી પ્રજાપતિ સમક્ષ આ કેસની સુનાવણી થઇ હતી. તેમણે બન્ને પક્ષની દલીલો સાંભળી, આધાર-પુરાવા તપાસી સી.આઇ.એસ.એફ.ના જવાનો સહિત તમામ 27 આરોપીને નિર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં આરોપીઓ વતી વકીલ તરીકે આર.ટી. લાલચંદાણી સાથે મમતાબેન એચ.આહુજા અને પ્રવીણભાઇ પરમાર રહ્યા હતા.   ગોદામ ખાલી કરવાનો હુકમ   ભુજમાં ન્યુ સ્ટેશન રોડ વિસ્તારમાં લાલ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલા અને ભાડા ઉપર અપાયેલા ગોદામનો પરત કબજો મેળવવા માટે કરાયેલા દાવાના કેસમાં ભુજની સિવિલ કોર્ટએ માલિક ઇશ્વરગર લાલગર ગુંસાઇની તરફેણમાં ચુકાદો આપી તેમને ખાલી કબજો સોંપવાનો આદેશ કર્યો હતો. આ ગોદામ ખડકાસિંહ પન્નાલાલ વર્માને ભાડે અપાયું હતું અને તેમણે માલિકની જાણ બહાર પ્રહલાદાસિંહ પન્નાલાલ વર્માને પેટામાં ભાડે આપ્યા બાદ આ કેસ ઊભો થયો હતો. આ કેસમાં માલિક તરફે વકીલ તરીકે અવનીશ જે. ઠકકર અને સલીમ એસ. ચાકી રહ્યા હતા.   અપહરણમાં આગોતરા નામંજૂર    બીજીબાજુ માંડવી શહેરમાં સગીર વયના બાળકનું અપહરણ કરીને તેને ગોંધી રાખવાના કિસ્સામાં 10 આરોપી સામે ફરિયાદ નોંધાવાયા બાદ તે પૈકીના જયદીપ દિનેશ પરમાર, દીપક દિનેશ પરમાર અને કરણકુમાર નારાણ ચૌહાણ દ્વારા આગોતરા જામીનની માગણી કરાઇ હતી. જેને અધિક સેશન્સ જજ દ્વારા નામંજૂર કરાઇ હતી. આ કેસમા સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશભાઇ મહેશ્વરી અને ફરિયાદ પક્ષ વતી વિપુલ ડી. કનૈયા અને મહેશ એસ.સીજુ રહ્યા હતા.    વીમા કપની વિરુદ્ધ ચુકાદો   ભુજના શશીકાંત ખીમજી શાહની કારને અકસ્માત નડવાના કેસમાં થયેલા વળતરના દાવામાં કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા નુકસાનીની રકમ ત્રાસ અને ખર્ચ તથા નવ ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો હતો. ટાટા એ.આઇ.જી. વીમા કંપનીએ વાહનમાલિકની જાણ બહાર વીમા પોલિસીને થર્ડ પાર્ટી કેસમાં ફેરવી નાખીને વળતરની ના પાડતાં આ મુદ્દો ફોરમમાં લઇ જવાતાં આ ચુકાદો અપાયો હતો. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે મહેન્દ્ર દયારામ ઠકકર, કુલિન જેન્તીલાલ ભગત, અકુલ અશોકભાઇ અમૃતિયા અને અમિત ડી. ચંદે રહ્યા હતા.   મનાઇહુકમની માગણી નામંજૂર   ભુજ તાલુકાના વ્યારા ગામની સીમમાં સર્વે નંબર 37માં મનાઇહુકમ માટે ભુજની સિવિલ કોર્ટ સમક્ષ થયેલી અપીલ નામંજૂર કરાઇ હતી. ગાભા માલા રબારીએ દસ્તાવેજને પડકારવા સાથેની આ અપીલ મોંઘીબેન કમા રબારી વિરુદ્ધ કરી હતી. જેમાં આ હુકમ કરાયો હતો. આ કેસમાં મોંઘીબેન અને હિંમતદાન વતી વકીલ તરીકે વિશાલ બી. મકવાણા, રાજેન્દ્રાસિંહ જી. કુંપાવત, ઋષિ જે. ઉપાધ્યાય, કુન્દન એસ. ધનાણી, વિનય વી. પઢારિયા, સંકેત સી. જોષી અને સાજીદ આઇ. તુરિયા હાજર રહ્યા હતા.   લુડવાના કેસમાં પતિને જામીન   માંડવી તાલુકાના લુડવા ગામે પતિ દ્વારા પત્નીની હત્યા માટે પ્રયાસ કરાયાના કિસ્સામાં આરોપી પતિ પ્રવીણ બુધીલાલ મહેશ્વરીને જામીન આપતો આદેશ જિલ્લા કોર્ટ દ્વારા કરાયો હતો. આરોપીના વકીલ તરીકે વિપુલ ડી. કનૈયા અને મહેશ એસ. સીજુ રહ્યા હતા.   ચોરીના કેસમા નિર્દોષ છુટકારો   રૂપિયા 21500ની ચોરી બાબતના કિસ્સામાં આરોપી બાબુ પાંચા કોળીને નિર્દોષ ઠેરવતો ચુકાદો અપાયો હતો. ભુજના બીજા અધિક ચીફ જયુડીશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આ ચુકાદો અપાયો હતો. આરોપીના વકીલ તરીકે દિદાર એમ. સવાણી અને રિદ્ધિ એચ. મહેતા રહ્યા હતા.   બેન્કની સેવામાં ખામીનો ચુકાદો   લખપત તાલુકામાં દયાપર ખાતે કાર્યરત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખા દ્વારા રૂા. પાંચ લાખના મૂલ્યનો ચેક પ્રતિવાદીના ખાતામાં જમા થઇ જવાના મામલામાં વાદી મેઘપર ગામના વિશ્રામ અરજણ બલિયા દ્વારા થયેલા કેસમાં નખત્રાણાના પ્રિન્સીપાલ સિનિયર જજે બેન્કની સેવામાં ખામી હોવાનો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં વાદીના વકીલ તરીકે નખત્રાણાના વરિષ્ઠ ધારાશાત્રી વી.આર.ગઢવી રહ્યા હતા.   અકસ્માતમાં વળતરનો આદેશ   લખપત તાલુકામાં પાનધ્રો ખાતે ખનિજ વિકાસ નિગમમાં વેલ્ડિંગ કામ કરવા દરમ્યાન નડેલા અકસ્માતના કેસમાં ભોગ બનનારા નખત્રાણાના નવાબખાન અબ્દુલ્લખાન પઠાણને વીમા કંપની દ્વારા વળતરની રકમ ચૂકવાય તેવો આદેશ અદાલતે કર્યો હતો. આ કેસમાં અરજદાર વતી વકીલ તરીકે અમીરઅલીભાઇ એચ. લોઢિયા સાથે અન્જુમ લોઢિયા, જયવીરસિંહ જાડેજા, દિનેશ ગોહિલ, મજીદ મણકા, કાસમ મંધરા અને ધનજી મેરિયા રહ્યા હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer