ગાંધીધામના બળાત્કાર પ્રકરણમાં આરોપીને 10 વર્ષની જેલની સજા

ગાંધીધામ, તા. 11 : શહેરના સેક્ટર-5માં આવેલા પ્લોટ નંબર 410માં કિશોરી ઉપર બળાત્કાર ગુજારવાના બનાવમાં અહીંની કોર્ટે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા અને રૂા. 20,000નો દંડ ફટકાર્યો હતો. શહેરના સથવારા કોલોનીમાં બે વર્ષ અગાઉ આ ચકચારી બનાવ બન્યો હતો. હરિભાઈ સથવારાએ પોતાના પ્લોટમાં ઓરડીઓ બનાવી રાખી હતી જેમાં ભાડુઆત રહેતા હતા. આ ઓરડીઓ પૈકી એક ઓરડીમાં ભોગ બનનાર કિશોરી અને તેનો ભાઈ એકલા હતા, જ્યારે તેના માતા-પિતા કામે ગયા હતા. ઓરડીનો દરવાજો ખુલ્લો રાખી આ બન્ને ભાઈ-બહેન ટી.વી. જોઈ રહ્યા હતા. દરમ્યાન મકાનમાલિકનો દીકરો હિતેશ ઉર્ફે લાલો નામનો શખ્સ આ ઓરડીમાં ઘૂસી ગયો હતો અને તેણે કિશોરી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો તેમજ આ વાત કોઈને કરીશ તો તને, તારા ભાઈ અને માતા પિતાને મારી નાખીશ તેવી ધમકી કિશોરીને આપી હતી. આ શખ્સ ઓરડીમાં ઘૂસ્યો ત્યારે અન્ય એક પડોશી આ હિતેશને જોઈ ગયો હતો અને તેણે ભોગ બનનાર કિશોરીના માતા-પિતાને આ વાતની જાણ કરી હતી. દરમ્યાન ગત તા. 23/3/2016ના તેના પિતાએ આ શખ્સ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ શખ્સની પોલીસે અટક કરી તેના વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી અહીંની બીજા અધિક સેશન્સ જજની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ન્યાયાધીશ આર.જી. દેવધરાએ તમામ આધાર પુરાવા ચકાસી આ શખ્સ હિતેશ હરિ સથવારાને તકસીરવાન ઠેરવ્યો હતો અને તેને 10 વર્ષની સખત કેદની સજા તથા રૂા. 20,000નો દંડ ફટકાર્યો હતો અને દંડની રકમ ન ભરે તો વધુ 30 માસની કેદનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ એસ.જી. રાણા ઉપસ્થિત રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer