હોટ એન્ડ કૂલ ફ્રેન્ડશિપના બહાને મેઘપર (બો.)ના યુવાન સાથે 1.32 લાખની થઈ છેતરપિંડી

ગાંધીધામ, તા. 11 : અંજાર તાલુકાના મેઘપર બોરીચીના રાધાનગરમાં રહેનારા એક યુવાનને હોટ એન્ડ કૂલ ફ્રેન્ડશિપમાં સભ્ય બનાવવાનું કહી તેની પાસેથી રૂા. 1,32,000 મેળવી લઈ તેને સભ્ય ન બનાવતાં અને પૈસા પરત ન આપતાં ત્રણ શખ્સો વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી. મેઘપર બોરીચીના રાધાનગરમાં રહેતા અને જોબવર્કનું કામ કરતા અજા ગોમદાભાઈ રબારીએ ગત તા. 3/7/2018ના ગુજરાતી દૈનિક અખબારમાં હોટ એન્ડ કૂલ ફ્રેન્ડશિપવાળી જાહેરાત જોઈ હતી. જેમાં અમારા હાઈપ્રોફાઈલ ફિમેલ નેટવર્કમાં ફુલ મોજમસ્તી એન્જોય સાથે કમાવો રૂપિયા અનલિમિટેડ લખેલું હોવાનું પોલીસે જણાવ્યું હતું અને કોઈ મહિલાના નામ સાથે ફોન નંબર આપેલા હતા. આ યુવાને તે નંબર પર ફોન કરતાં સામે છેડે પોતે રાજકોટનો સંજય પટેલ હોવાનું અને નોંધણી માટે રૂા. 3000 ભરવા કહ્યું હતું દરમ્યાન આ યુવાને કૌશિક પાનીક નામના શખ્સના ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા. બાદમાં નિખિલ પટેલ નામના શખ્સનો ફોન આ યુવાનને આવ્યો હતો અને કલબનો કોડ લેવા માટે રૂા. 8000 ભરવા કહ્યું હતું. જે પૈસા પણ યુવાને ખાતામાં ભરી આપ્યા હતા. આ માટે યુવાનને એક ઓળખપત્ર પણ મોકલવામાં આવ્યું હતું. બાદમાં આ શખ્સોએ મેડિકલ વીમો, હોટલના ભાડા વગેરે બાબતો માટે આ યુવાન પાસેથી પૈસા માંગ્યા હતા અને આ ફરિયાદીએ રાહુલ દવેના બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા. તેમજ જ્યોતિ નામની મહિલાના ખાતામાં પણ રૂપિયા નાખ્યા હતા. લોકલ એન્જોયમેન્ટ, નેશનલ એન્જોયમેન્ટ અને ઇન્ટરનેશનલ  એન્જોયમેન્ટના નામે પૈસા પડાવાતા હતા. આ યુવાને આરોપીના ખાતામાં જુદી-જુદી તારીખે કુલ રૂા. 1,32,000 જમા કરાવ્યા હતા. આ યુવાનને સભ્ય ન બનાવી તથા પૈસા પરત ન આપતાં સંજય પટેલ, નિખિલ પટેલ અને જૈમિન નામના શખ્સો વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer