વનડે શ્રેણી પણ કબ્જે કરવાનું લક્ષ્ય

સિડની, તા. 11 : ટેસ્ટ શ્રેણીની સફળતા બાદ બિનજરૂરી વિવાદનો સામનો કરી રહેલી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શનિવારથી શરૂ થઇ રહેલી ત્રણ વનડે મેચની સિરીઝમાં વર્લ્ડકપની પોતાની તૈયારીને અંતિમ રૂપ આપવાની કોશિશ કરશે. એક ટીવી શો દરમ્યાન હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલની મહિલાઓ પરની આપત્તિજક ટિપ્પણીને લીધે વિવાદ સર્જાયો છે અને ટીમનું ધ્યાનભંગ થયું છે. જોકે, સુકાની કોહલીએ મેચ પહેલાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અમારી પાસે બીજા સારા વિકલ્પ હાજર છે. ચિંતાની કોઇ વાત નથી. કેએલ રાહુલ આમ પણ ઇલેવનમાં સ્થાનની સ્થિતિમાં ન હતો. પંડ્યાને સ્થાને સ્પિનર-ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને તક મળશે. પહેલી વનડે શનિવારે સવારે 7-પ0 વાગ્યાથી શરૂ થશે. સ્ટાર ઝડપી બોલર બુમરાહને પહેલેથી જ વિશ્રામ અપાયો છે. આથી ટીમને તેના બોલિંગ આક્રમણ સાથે વિશ્વકપ પહેલાં  આખરી પ્રયોગનો મોકો રહેશે. ભુવનેશ્વરનું રમવું નિશ્ચિત છે. સુકાની કોહલી પર એ નિર્ભર રહેશે કે તે ત્રણ ઝડપી નિયમિત બોલર સાથે ઊતરે છે કે પ્રયોગ કરે છે. આવી સ્થિતિમાં શમી અને ખલિલને મોકો મળી શકે છે. એસસીજીની પીચ પર થોડું ઘાસ છે. મોટાભાગે ચાઇનામેન બોલર કુલદીપ સાથે અનુભવી રવીન્દ્ર જાડેજા હશે, જ્યારે કેદાર જાધવ કામચલાઉ સ્પિનરની જવાબદારી સંભાળશે. રોહિત-શિખર પછી કોહલી બેટિંગમાં આવશે. આ પછી રાયડુ, જાધવ અને ધોની મિડલ ઓર્ડરમાં હશે. તેમની કસોટી થશે.ભારતને પાછલા ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં હાર સહન કરવી પડી હતી. જાન્યુઆરી-2016માં  ધોનીના સુકાનીપદ હેઠળની ટીમને 1-4થી હાર મળી હતી. ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાની ધરતી પર 48 વનડે મેચમાંથી 3પમાં હાર મળી છે. જોકે, વનડે શ્રેણીમાં પણ ભારતને સ્મિથ અને વોર્નરની ગેરહાજરીનો આ વખતે ફાયદો મળી શકે છે. ભારતે તેની આખરી ઇલેવન વિવાદને લીધે જાહેર કરી નથી.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer