કોફીનો કડવો ઘૂંટ : હાર્દિક-રાહુલ સસ્પેન્ડ

નવી દિલ્હી, તા. 11 : ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને ઓપનિંગ બેટસમેન કે.એલ. રાહુલે ટીવી શો કોફી વિથ કરણમાં મહિલાઓ વિશે કરેલી આપત્તિજનક ટિપ્પણીઓ મામલે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવાયા છે. આથી આ બન્ને ક્રિકેટર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની પૂરી શ્રેણીની બહાર થઇ શકે છે. આમ હાર્દિક-રાહુલ માટે કરણ જોહરની કોફી કડવી સાબિત થઇ રહી છે.  હાર્દિક અને રાહુલની યુવતીઓ વિશેની ટીવી શોમાં કરેલી `સેક્સિસ્ટ' ટિપ્પણીથી ભારતીય ક્રિકેટમાં હડકંપ મચી ગયો છે. આ મામલે ખુદ સુકાનીએ બચાવની ભૂમિકામાં આવીને કહેવું પડયું છે કે, અમે આવી અસંગત ટિપ્પણીને સ્વીકારતા નથી.  હાર્દિક અને રાહુલને આવતીકાલ શનિવારે રમાનારી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની પહેલી વન -ડેની ઇલેવનની બહાર રખાયા છે. બન્ને પર શ્રેણી બહાર થવાની પણ તલવાર લટકી રહી છે. બીસીસીઆઇની સંચાલન સમિતિ (સીઓએ)ના વડા વિનોદ રાયે આજે સાંજે જણાવ્યું છે કે, હાર્દિક પંડયા અને કે.એલ. રાહુલ બન્નેને તપાસ સમાપ્ત ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવે છે. બીસીસીઆઇ દ્વારા તપાસ શરૂ થતાં પહેલાં નવી કારણ બતાવ નોટિસ પણ જારી થઇ છે. આ પછી ભારતીય ટીમ મેનેજમેન્ટ એ નક્કી કરશે કે આ બે ખેલાડીને સાથે રાખવા કે સ્વદેશ પરત મોકલવામાં આવે છે. બીસીસીઆઇના સૂત્રોમાંથી જાણવા મળે છે કે આ બે ખેલાડીના સ્થાને રિષભ પંત, શ્રેયસ અય્યર, મનીષ પાંડે અથવા વિજય શંકરમાંથી કોઇ બે ખેલાડીને ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવી શકે છે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer