આજથી જ્યુબિલી ગ્રાઉન્ડમાં જામશે ડબલ્યુપીએલનો જંગ

ભુજ, તા. 11 : રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટી દ્વારા આયોજિત વોલસિટી પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ)નો 12 જાન્યુઆરીથી આરંભ થઈ રહ્યો છે. આ નાઈટ ટૂર્ના.માં રોજ બે મેચ રમાશે જેમાં કુલ આઠ ફ્રેન્ચાઈઝી ભાગ લઈ રહી છે. આ અગાઉ ક્લબ દ્વારા હરાજી થકી કચ્છના તમામ જાણીતા ખેલાડીઓને ટીમોમાં સામેલ કર્યા હતા. જ્યુબિલી ગ્રાઉન્ડમાં આયોજિત આ સ્પર્ધામાં કચ્છમિત્ર મીડિયા પાર્ટનર છે જ્યારે કલાનિકેતન એજન્સી મુખ્ય સ્પોન્સર અને અક્ષત ટેલિકોમ કો-સ્પોન્સર છે. દરેક ફ્રેન્ચાઈઝી માટે પોતાના પેવેલિયન, ફરતે એલઈડી બાઉન્ડ્રી, બહારના નિષ્ણાત અમ્પાયરો દ્વારા ચોક્કસાઈભર્યો નિર્ણય, કોમેન્ટેટર રમતા ખેલાડી સાથે વાત કરી શકે તવા હેન્ડસ ફ્રી માઈક્રોફોન વગેરે આકર્ષણ બનશે તેવું ક્લબના પ્રમુખ સચિન ઠક્કરે જણાવ્યું હતું. વધુમાં જે ટૂર્નામેન્ટમાં જિલ્લાના તમામ ખેલાડી તથા જરૂરિયાત મુજબ દરેક ટીમ જિલ્લા બહારથી પણ બે ખેલાડી પોતાની ટીમમાં લઈ શકશે એવું ગ્રાઉન્ડ અને બેઠક વ્યવસ્થાનું સ્ટ્રક્ચર સમજાવતાં ક્લબના જયંત ઠક્કરે જણાવ્યું હતું. ત્રણેય પ્રોજેક્ટ ચેરમેન રિતેશ શેઠ, હર્ષદ ભીંડે તથા રાજેશ માણેક ટૂર્નામેન્ટને આખરી ઓપ આપી રહ્યા છે. ભાગ લઈ રહેલા દરેક પ્લેયર તથા ફ્રેન્ચાઈઝી ઓનર પોતાના યુનિફોર્મ સાથે મેચ રમવા ઊતરશે એવું જોઈન્ટ સેક્રેટરી રાજન મહેતાએ જણાવ્યું હતું. ટૂર્નામેન્ટના પ્રારંભ અવસરે રિધમ ધ ડાન્સ એકેડમીના કલાકારો જતિન યાદવ દ્વારા તૈયાર કરાયેલા ખાસ ડાન્સ પ્રસ્તુત કરશે. આકાશમાં આતશબાજી પણ કરાશે. ક્લબ પોતાના મુખ્ય ઉદ્દેશને સાર્થક કરવા હાથ ધરેલી આ ટૂર્નામેન્ટનો પ્રારંભ થેલેસેમિક બાળકોના હાથે બલૂન ઉડાડી કરવામાં આવશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer