આ વખતે મકરસંક્રાંતિ તા.14ના સૂર્યાસ્ત પછી 7.50 કલાકે થશે

દયાપર (તા. લખપત), તા. 11 : મકરસંક્રાંતિ તા. 14/1ના સૂર્યાસ્ત પછી જ્યારે પુણ્યકાળ 15/1ના ગણાશે. તા. 14મી જાન્યુઆરી એટલે મકરસંક્રાંતિ, આ સામાન્ય સમજણ જનમાનસમાં હોય છે, પરંતુ આ વખતે વિક્રમ સંવત 2075 પોષ સુદ-8 સોમવાર તા. 14/1/2019ની સાંજે 7.50 કલાકે સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યાસ્ત આ દિવસે સાંજે 6.23 કલાકે છે. મતલબ સૂર્યનો મકર પ્રવેશ સૂર્યાસ્ત પછી થાય છે. જેથી મકરસંક્રાંતિનો પુણ્યકાળ તા. 15/1/2019ના સૂર્યોદય 7.29 કલાકથી સાંજે 6.24 (સૂર્યોદયથી સૂર્યાસ્ત) સુધી રહેશે. સંક્રાંતિના તલનું મહત્ત્વ વધુ છે. તલનો હોમ, તલનું અભ્યંગ, તલનું દાન, તલમિશ્રિત જળથી સ્નાન, પુણ્યકાળ દરમ્યાન ગાયને ઘાસચારો આપવો, વત્ર, તલનું દાન કરી શકાય છે.  સૂર્યનારાયણને દૂધ અને જળનો અભિષેક કરવો શ્રેષ્ઠ છે. સંક્રાંતિની વિગત આ મુજબ છે : વાહન - સિંહ, ઉપવાહન - હાથી, વત્ર - સફેદ, તિલક - કસ્તૂરી, પાત્ર - સોનું, આગમન - દક્ષિણ, મુખ- પશ્ચિમ બાજુ, દૃષ્ટિ - ઇશાન બાજુ, ગમન - ઉત્તર તરફ. કઇ રાશિને શું દાન કરવું ? : સિંહ, ધન, મીન : ઘી, ખાંડ, સફેદ તલ, સફેદ વત્ર, રૂપું, વૃષભ, કન્યા, મકર : , કાળા તલ, કાળું વત્ર, સ્ટીલ વાસણ, કર્ક, તુલા, કુંભ : લાલ વત્ર, ઘઉં, તાંબું ધાતુ, ગોળ, મેષ, મિથુન, વૃશ્ચિક : પીળાં વત્ર, ચણાની દાળ, પિત્તળનું વાસણ, ધનારક (કમુહૂર્તા) તા. 15થી સમાપ્ત થશે,  બાદ શુભ કાર્યો શરૂ થશે, તેવું વિશ્વનાથ મહારાજે જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer