ભચાઉમાં બે દિ''માં જ યુવક અને યુવતીએ ગળેફાંસો ખાધો

ભચાઉમાં બે દિ''માં જ યુવક અને યુવતીએ ગળેફાંસો ખાધો
ગાંધીધામ, તા. 11 : ભચાઉના રામવાડી વિસ્તારમાં રહેનાર મહેશ બચુ દરજી (ઉ. વ. 25) નામના યુવાને ગઇકાલે, જ્યારે આજે આ જ નગરના સીતારામપુરા વિસ્તારમાં રહેનાર દરજી સમાજના જ હેમાંગીબેન ધરમશી દરજી (ઉ. વ. 20) નામની યુવતીએ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લેતાં ભારે ચકચાર પ્રસરી હતી. તો બીજી તરફ બે દિવસમાં જ દરજી સમાજના યુવાન અને યુવતીના આપઘાતથી સમાજમાં શોકની લાગણી પ્રસરી છે. ભચાઉના રામવાડી વિસ્તારમાં રહેનાર મહેશ દરજી નામનો યુવાન ગામમાં જ આવેલ ટોપસન નામની દુકાનમાં સીલાઇકામ કરતો હતો. ગઇકાલે બપોર સુધી દુકાનમાં કામ કર્યા બાદ તે ઘરે જમવા આવ્યો હતો અને પરત આવી કામે લાગી ગયો હતો. દરમ્યાન મોડી બપોરે હું ઘરે ચા પીવા જાઉં છું તેમ કહીને ઘરે આવ્યો હતો અને પોતાના ઘરે આવી પોતાના રૂમને અંદરથી બંધ કરી અને પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ લીધો  હતો. દરમ્યાન તેના ભાભીએ દરવાજો ખટખટાવતાં તેણે દરવાજો ન ખોલતાં ઘરના અન્ય સભ્યોને બોલાવી લેવાયા હતા અને બાદમાં દરવાજો તોડી નખાતાં આ યુવાન લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ગઇકાલે પી.એમ. સહિતની કાર્યવાહી બાદ આજે આ યુવાનની અંતિમવિધિ કરવામાં આવી હતી. દરમ્યાન આજે સવારે 9.30ના અરસામાં હેમાંગી દરજી નામની યુવતીએ અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવતી આજે પોતાના ઘરે હતી ત્યારે તેણે પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. એકબાજુ દરજી સમાજના એક યુવાનની અંતિમવિધિ અને બીજીબાજુ અન્ય યુવતીએ અંતિમ પગલું ભરી લેતાં દરજી સમાજમાં ઘેરા શોકની લાગણી સાથે ચકચાર પ્રસરી હતી તેવું અમારા ભચાઉના પ્રતિનિધિએ જણાવ્યું હતું. આ બંને બનાવોમાં કારણ હજુ અકળ છે ત્યારે તેમના પરિવારજનોના નિવેદનો બાદ કારણ બહાર આવી શકે તેમ હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઉપરાંત આ બંને આપઘાતના બનાવો સંલગ્ન છે કે કેમ તે દિશામાં પણ પોલીસે પૂછપરછ આદરી છે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer