ભુજમાં આડેધડ ખોદાણ સામે સુધરાઇ નિદ્રાધીન

ભુજમાં આડેધડ ખોદાણ સામે સુધરાઇ નિદ્રાધીન
ભુજ, તા. 10 : શહેરમાં ચાલતા અલગ-અલગ ખાતાં દ્વારા ખાડા ખોદવાના કામોએ લોકોની હાલાકી વધારી દીધી છે. કામ કરતા મજૂરો અને સુપરવાઇઝર જે-તે વિસ્તારના જાગૃતોનું સૂચન તો ધ્યાને લેતા નથી પણ સુધરાઇનું જાણે અસ્તિત્વ જ ન હોય તેમ એ કચેરીને જાણ કરવાની દરકાર પણ લેતા નથી. જેથી સુધરાઇ દ્વારા માર્ગ મરંમતનો ખર્ચ અંતે લોકોની સુવિધા માટે ફાળવાતા નાણાંમાંથી જ કરાય છે.  જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર ભુજ શહેરમાં અલગ-અલગ કચેરીઓનાં સંકલનના અભાવે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભુજમાં ઠેકઠેકાણે વાયર, ગેસલાઇન સહિતનાં ખોદકામ દરમ્યાન ક્યાંક પાણીની લાઇનો તોડી નખાય છે તો ક્યાંક ગટરલાઇનોને નુકસાન પહોંચાડાય છે અને નગરપાલિકાને જાણ સુદ્ધાં કરાતી નથી અને લોકોને સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની લોકફરિયાદ ઊઠી છે.  તાજેતરમાં જ બ્રહ્માકુમારી ચોકથી ડો. ભાદરકાની હોસ્પિટલ સુધી ખાડા ખોદીને રાખી દેવાયા છે. વળી આ કામ દરમ્યાન ચારથી પાંચ જગ્યાએ ગટરલાઇન તૂટતાં ખાડામાં તથા માર્ગ પર ગંદાં પાણી ફરી વળ્યાં છે અને ગંદકી તથા દુર્ગંધને પગલે અહીંના રહેવાસીઓ તથા આ માર્ગે પસાર થતા રાહદારીઓ-વાહનચાલકોની હાલત કફોડી બનતી હોવાનું જાગૃતોએ જણાવ્યું હતું.  સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા આઠેક દિવસથી અહીં ખાડા ખોદાયેલા પડયા છે અને મજૂરો ચાલ્યા ગયા છે. આ અંગે ભુજ સુધરાઇની ગટરશાખાના ઇન્જિનીયર ધર્મેન્દ્રાસિંહ વાઘેલાનો  સંપર્ક સાધતાં તેમણે ખોદાયેલા ખાડા કાં તો પીજીવીસીએલ અથવા તો ગેસલાઇન માટે ખોદાયા હોવાનું જણાવ્યું હતું, પણ કચેરીમાં કોઇ માહિતી ન હોતાં કોણે ખોદ્યા છે તે જાણી શકાયું નહોતું.  આ માર્ગે ખોદાયેલા ખાડામાં ગટરનાં પાણી ભરાયેલાં હોતાં રાહદારી કે વાહનચાલકને ખાડો કેટલો ઊંડો છે તેનો ખ્યાલ ન આવતાં વારંવાર અકસ્માતો પણ થતા રહેતા હોવાની લોકફરિયાદ ઊઠી છે. આ અંગે સુધરાઇની ગટરશાખાનું ધ્યાન દોરાતાં ટીમ મરંમત કામમાં લાગી હતી. આ ઉપરાંત પાળેશ્વરથી આશાપુરા જતા માર્ગે પણ અનેક સ્થળે લાઇનો ખોદી ખાડા જેમ-તેમ પૂરી અથવા તો મૂકી દેવાતાં લોકોને મુશ્કેલી પડી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષોથી આ માર્ગ જર્જરિત હતો અને થોડા સમય પહેલાં જ ડામરથી મઢાતાં  લોકોને હાશકારો થયો પણ હાલમાં આ માર્ગની હાલત પાછી જર્જરિત થઇ રહી છે અને ઠેક-ઠેકાણે ખાડા પડી ગયા છે.  ભુજમાં અલગ-અલગ ખાતાં હોય કે, ખાનગી જોડાણ લેનારા સુધરાઇને કોઇ પણ જાતની જાણ કર્યા વિના જ ખોદકામ કરી નાખે છે અને આડેધડ પુરાણ કરતાં માર્ગ પર ખાડા-ટેકરાને કારણે લોકોની મુશ્કેલી વધી જાય છે.  જો કે, આડેધડ ખાડા ખોદનારા સામે સુધરાઇ પણ કોઇ કાયદેસરની કાર્યવાહી કરતી ન હોવાથી લોકો બિન્દાસ્ત બન્યા હોવાનું પણ જાગૃતો કહી રહ્યા છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer