`મહાત્મા'' બ્રહ્મલીન થયા, ને શ્વાન ધૂણા પાસે ચક્કર મારે છે

`મહાત્મા'' બ્રહ્મલીન થયા, ને શ્વાન ધૂણા પાસે ચક્કર મારે છે
રાપર, તા. 9 : આજના હળાહળ કળિયુગની કેટલીક ઘટનાઓ આંખો પહોળી કરનારી તથા આંખ ઉઘાડનારી બની રહે છે. વાગડમાં બાદરગઢ પાસેના વિથરોઇયા ડુંગરની ટેકરીઓ સાધનાની ભૂમિ છે. અહીં અનેક ભજનાનંદીઓએ ભજન કરી ભવના ફેરાને સાર્થક અને સફળ કર્યો છે. શ્યામગિરિ મહાત્મા મૂળ તો રાપરના સામા પટેલ, પણ ભજન વર્યું. નામ અને કામ બંને બદલાયાં. શ્યામગિરિજી થોડા દિવસો અગાઉ બ્રહ્મલીન થયા. ધોરેશ્વર મહાદેવના સ્થાનમાં એ ભજન કરતા. છેલ્લે થોડો સમય બીમાર રહ્યા. એમનો સાથી હરિયો. હરિયો વફાદાર શ્વાન. મહાત્મા સાથે જ હોય! સેવકો બીમાર શ્યામગિરિને દવાખાને લઇ જવા લાગ્યા. હરિયો જોઇ ગયો, ગાડીને આડો ઊભો રહ્યો. મહાત્મા કહે, હરિયાને ભેગો લઇ લ્યો! હરિયો મહાત્માની પાસે જ રહે. મળમૂત્ર ત્યાગ કરવા દૂર જઈ આવે! મહાત્માનો જગત છોડવાનો સમય નજીક આવ્યો એમ હરિયો આઘો ન હટે. મહાત્મા શિવ... શિવ...નું નામ જપતા વિદાય થાય છે અને છેલ્લે હરિયાના કપાળ પર હાથ મૂકી મહાત્માએ શ્વાસ છોડ્યા. મહાત્માના નશ્વર દેહને સમાધિ આપવા બાદરગઢ ધોરેશ્વર લાવ્યા. હરિયો પણ ભેગો.. ચારેબાજુ હરિયો પાગલની માફક ચક્કર મારે પણ મહાત્મા તો અનંતની વાટે હાલી નીકળ્યા. એક દિવસ, બે દિવસ, આમ સતત બાર દિવસ સુધી હરિયાએ મોઢામાં એક બટકું ન મૂક્યું. સેવકો ખાવાનું હરિયાના મોઢા પાસે રાખે પણ હરિયો લમણું પણ ન વાળે! બાર દિવસ પૂરા થયા, સૌ સેવકો-સંતોએ હરિયાને પોતાના હાથે માંડ-માંડ પારણાં કરાવ્યાં. આજે પણ હરિયો આશ્રમમાં ધૂણા પાસે, મહાત્માની પથારી પાસે ચક્કર માર્યા કરે છે. એ અબોલ જીવને મરણની ખબર નથી. આજે પણ એ શ્યામગિરિને શોધે છે!

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer