બિદડામાં ટેમ્પોમાં લઇ અવાતો 2.16 લાખનો અંગ્રેજી શરાબ ઝડપી પડાયો

બિદડામાં ટેમ્પોમાં લઇ અવાતો 2.16 લાખનો અંગ્રેજી શરાબ ઝડપી પડાયો
ભુજ, તા. 10 : માંડવી તાલુકાના બિદડા ગામે બાતમીના આધારે ગતરાત્રે દરોડો પાડીને પોલીસની જિલ્લા સ્થાનિક ગુનાશોધક શાખાએ રૂા. 2.16 લાખની કિંમતનો ભારતીય બનાવટનો અંગ્રેજી પ્રકારનો શરાબ ઝડપી પાડયો હતો. અલબત આરોપી બિદડાનો સહદેવાસિંહ ઉમેદાસિંહ જાડેજા હાથમાં આવ્યો ન હતો.  ખાખરથી બિદડા તરફના માર્ગે શરાબ લઇને જઇ રહેલો ટેમ્પો આવી રહ્યો હોવાની પૂર્વ બાતમી થકી એલ.સી.બી. ટુકડીએ રાત્રિ પેટ્રોલિંગ દરમ્યાન બિદડા ગામની ભાગોળે ક્રિકેટના મેદાન પાસે આ સફળ દરોડો પાડયો હતો.  પોલીસ સાધનોએ આ વિશેની માહિતી આપતાં જણાવ્યું હતું કે ટેમ્પોની તલાશી લેવાતાં તેમાંથી શરાબની 750 મિ.લિ.ની 480 બાટલી તથા દારૂના 480 કવાટરિયા મળી કુલ્લ રૂા. 2.16 લાખનો જથ્થો હસ્તગત કરાયો હતો. જી.જે.3-બી.ટી.-9355 નંબરનો રૂા. બે લાખની કિંમતનો ટેમ્પો પણ કબજે લેવાયો હતો.  દરોડા સમયે પોલીસને હાથતાળી આપીને નાસી ગયેલા બિદડાના આરોપી સહદેવાસિંહ જાડેજા સામે માંડવી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો હતો. આ શખ્સને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે. એલ.સી.બી.ના કાર્યકારી ઇન્સ્પેકટર એમ.બી.ઓઆસુરાની રાહબરીમાં ફોજદાર એચ.એસ. તિવારી સાથે સ્ટાફના સભ્યો દરોડાની કાર્યવાહીમાં જોડાયા હતા. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer