નખત્રાણાની જીએમડીસી કોલેજના વહીવટ માટે શિક્ષણમંત્રીની ખાતરી

નખત્રાણાની જીએમડીસી કોલેજના વહીવટ માટે શિક્ષણમંત્રીની ખાતરી
નખત્રાણા, તા. 10 : અહીંની જીએમડીસી કોલેજને ગ્રાન્ટ આપવા પ્રતિનિધિ મંડળની રજૂઆતને પગલે ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ યોજેલી બેઠકમાં તેમણે જીએમડીસી દ્વારા રૂા. 25થી 30 કરોડનું કોર્પસ ફંડ ઊભું કરી તેના વ્યાજમાંથી કોલેજનો વહીવટ ચલાવી શકાય તેવી વ્યવસ્થા કરવાની ખાતરી અપાઇ હતી. ઉપરાંત કોલેજની દર વર્ષની રૂા. એક કરોડ છ લાખની જરૂરિયાતને પહોંચી વળવા ડિસ્ટ્રીક્ટ મિનરલ ફંડમાંથી બે કરોડ અપાશે તેવું જણાવ્યું હતું. બેઠકમાં રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, રૂપવંતસિંહ (કમિશનર ભૂસ્તર અને ખાણ ખનિજ), એ. કે. માંકડિયા (જન. મેનેજર જીએમડીસી) તેમજ મહાવીરસિંહ રાઉલજી (આયોજન અધિકારી-કચ્છ) વગેરે સાથે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની આગેવાનીમાં કોલેજના ટ્રસ્ટીઓ અબજીભાઇ કાનાણી (પ્રમુખ અ.ભા.ક. પાટીદાર), મોહનભાઇ છાભૈયા, મનસુખભાઇ રૂડાણી, અર્જુનદેવસિંહ ચૂડાસમા, કે. બી. જાડેજા, વિષ્ણુભાઇ ત્રિવેદી (પ્રિન્સીપાલ કોલેજ) તેમજ અજયસિંહ ચૌહાણ વગેરે જોડાયા હતા. શિક્ષણમંત્રીની ખાતરી મળતાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ વિજયભાઇ રૂપાણી સરકારનો આભાર માન્યો હતો.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer