જળમાર્ગ પરિવહન થકી દેશનું અર્થતંત્ર મજબૂત બનશે

જળમાર્ગ પરિવહન થકી દેશનું અર્થતંત્ર મજબૂત બનશે
ગાંધીધામ, તા. 10 : રોડ અને રેલમાર્ગની સરખામણીમાં જળમાર્ગ પરિવહન સસ્તું અને સરળ હોવાથી દેશના વેપારમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે, તેના થકી ભારતનું અર્થતંત્ર વધુ મજબૂત બનશે તેવો આશાવાદ કેન્દ્રીય શિપિંગ મંત્રી નીતિન ગડકરીએ દીનદયાલ પોર્ટ ખાતે કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના  જળમાર્ગે કન્ટેનર પરિવહનના પ્રથમ જહાજને દિલ્હીથી વીડિયો લિન્ક મારફત લીલીઝંડી આપતાં વ્યકત કર્યો હતો. ટ્રાન્સપોર્ટ ભવન ખાતેથી કોનકોરના જળમાર્ગે કન્ટેનર પરિવહન શરૂ થવાની ઘટનાને ઐતિહાસિક ગણાવતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, રોડમાર્ગે માલ પરિવહન 10, તો રેલમાર્ગે 6 રૂપિયા જ્યારે જળમાર્ગે માત્ર એક રૂપિયો ટન જેટલી કિંમત થાય છે. દરિયાઈ માર્ગે પરિવહન વધારવાથી પરિવહનની ઓછી કિંમત થકી આંતરરાષ્ટ્રીય વેપાર સામે સ્પર્ધામાં ઊતરી શકશું. જળમાર્ગ પરિવહનથી દેશના ઉદ્યોગને નવી દિશા મળશે તેવી લાગણી વ્યક્ત કરતાં વધુમાં કહ્યું હતું કે, આજે કોનકોર દ્વારા સપ્તાહમાં એકવાર જહાજી સેવા શરૂ કરી  છે, થોડા  મહિના પછી કંડલાથી દરરોજ જહાજ રવાના થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ઈન્લેન્ડ  વોટર બેઝ યોજના ઉપર પ્રકાશ પાડી કન્ટેનર પરિવહન માટે તેનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. કેન્દ્રીય રેલવેમંત્રી પીયૂષ  ગોયલે કોનકોરની જળમાર્ગે કન્ટેનર પરિવહન યોજના બદલ હર્ષની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રેલ, રોડ, જળમાર્ગે માલ પરિવહનમાં સંયુક્ત ભાગીદારીથી કેન્દ્ર સરકારનું ડબલ ડિજિટ વિકાસ દરનું સ્વપ્ન સાકાર થશે. 2014માં કોનકોરને નવરત્ન કંપનીનું નામ મળ્યું હતું, તે કોનકોરને રેલવેમંત્રીએ નવભારત રત્ન સમી ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સાડા ચાર વર્ષમાં રેલવેમાં નવા કીર્તિમાન સ્થપાયા  છે, ત્યારે કોનકોર દ્વારા જળમાર્ગ સહિત મલ્ટિ  મોડેલ મૂવમેન્ટ શરૂ કરાઈ તે વધુ એક કીર્તિમાન અંકિત થયો હોવાની લાગણી તેમણે વ્યક્ત કરી હતી. ટ્રાન્સપોર્ટ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા  ઉપસ્થિત રહ્યા હતા. કોનકોરના સી.એમ.ડી. વી. કલ્યાણ રામાએ આભારવિધિ કરી હતી. દરમ્યાન કંડલા ખાતે કે.આઈ.સી.ટી.  કન્ટેનર ટર્મિનલ ખાતે  યોજાયેલા સમારોહમાં ઉપસ્થિત રહેલા ડીપીટીના ચેરમેન સંજય ભાટિયાએ દેશભરમાં જળમાર્ગ પરિવહનને મહત્ત્વ અપાય છે તેવું જણાવી તેની શરૂઆત ડીપીટી ખાતેથી થઈ રહી છે તે બદલ તેમણે આનંદ વ્યકત કર્યો હતો. કોનકોરના  ડોમેસ્ટિક  ડાયરેક્ટર પી.કે. અગ્રવાલે કોનકોરની સ્થાપના, ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે કયા કયા પરિવર્તન કર્યા તે સહિતની બાબતો ઉપર પ્રકાશ પાડયો હતો. તેમણે જળમાર્ગે કન્ટેનર પરિવહન યોજના અંગે માહિતી આપી  હતી. કોનકેરે અત્યાર સુધીમાં રેલ અને રોડમાર્ગે  3.5 મિલિયન ટીયુસ કન્ટેનર પરિવહન કર્યું હોવાની માહિતી આપી હતી. હાલ કોનકોરના 81 જેટલા ટર્મિનલ કાર્યરત છે. આગામી વર્ષોમાં 100 ટર્મિનલ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. કંડલા  ખાતે કોનકોરના એકિઝકયુટિવ ડાયરેક્ટર જી. કે. રવિકુમાર, ડીપીટીના ઉપાધ્યક્ષ બિમલકુમાર ઝા, વિશાખાપટ્ટનમ પોર્ટના માર્કેટિંગ વિભાગના વડા મહેશ કોથલ, કસ્ટમના પ્રિન્સિપલ કમિશનર સંજય અગ્રવાલ, ઈફકોના એકિઝકયુટિવ ડાયરેક્ટર શ્રીનારાયણન, કે.આઈ.સી.ટી.ના અમરદીપ સિંગ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોને કોનકોરના સિનિયર જનરલ મેનેજર મધુકર રોતે આવકાર્યા હતા. કોનકોર દ્વારા કંડલાથી એઁસ.એસ.સી. મુંબઈ  જહાજ રવાના  કરાયું હતું. 700 ટીયુસ કન્ટેનર સાથેનું જહાજ વાયા  મેંગ્લોર, કોચીન પોર્ટ થઈ તુતીકોરીન પોર્ટ પહોંચશે. અઠવાડિયામાં એક વખત બન્ને બંદર ઉપર જહાજની આવન-જાવન થશે. કાર્યક્રમનું સંચાલન રાજેશ  ગૌતમે કર્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer