જયંતી ભાનુશાલી હત્યાકેસ નક્કર કડી મેળવવા તપાસનો ધમધમાટ

ભુજ/અમદાવાદ, તા. 10 : કચ્છ ભાજપના અગ્ર હરોળના નેતા પૂર્વ ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાલીની ચાલુ ટ્રેને ગોળી મારીને કરાયેલી હત્યાના ભારે ચકચારી મામલામાં ચોમેર જોરશોરથી ચાલી રહેલી તપાસ દરમ્યાન હજુ સુધી કોઇ ઠોસ કડીઓ કે પુરાવા મળ્યા નથી. પરંતુ તપાસનીશો આ સમગ્ર હત્યાકાંડ પછવાડે જૂની અદાવત અને જમીનને લગતા કોઇ મુદ્દાને મુખ્યત્વે નિમિત્ત માની રહ્યા છે.તેજ બનેલા તપાસના ઘટનાક્રમ દરમ્યાન એકબાજુ આ માટે રચાયેલી ખાસ તપાસ ટુકડીની જુદી જુદી ચાર ટીમ કચ્છમાં સામખિયાળીથી છેક અબડાસા સુધીનો વિસ્તાર ખુંદી રહી છે, તો બીજીબાજુ સીટ દ્વારા ફરિયાદ જેમની સામે દાખલ કરાવાઇ છે તેવા માથાઓની પૂછતાછ શરૂ કરતાં તેનો આરંભ આજે મૂળ ડુમરા (અબડાસા)ના અને હાલે ભુજ રહેતા રાજકીય આગેવાન જેન્તીલાલ જેઠાલાલ ઠકકરની પૂછપરછ સાથે કર્યો હતો. તો પૂર્વ ધારાસભ્ય જેન્તીભાઇની બેગમાંથી મનીષ ચૂનીલાલ નંદાના નામનું બોગસ આધારકાર્ડ પણ મળી આવતાં તેને સંલગ્ન અનેક સવાલો સપાટી ઉપર આવ્યા છે. બનાવના સમયે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા સુરતના એક પ્રવાસી કે જેણે હત્યારા મનાતા બન્ને શખ્સને જોયા છે તેની પાસેથી વર્ણન મેળવીને નિષ્ણાતો પાસેથી રેખાચિત્ર બનાવવાની તૈયારી પણ પૂર્ણતાના આરે પહેંચી છે. સી.આઇ.ડી. ક્રાઇમના વડા ડી.જી. આશિષ ભાટિયા પત્રકાર પરિષદ બોલાવી આ સ્કેચ જાહેર કરે તેવી સંભાવના છે. સાથેસાથે કેસને સંલગ્ન હોય કે ન હોય તેવા ગાંધીધામ રેલ્વે મથકેથી બિનવારસુ હાલતમાં બજાજ પલ્સર બાઇક મળવા સહિતના વિવિધ નાનામોટા મુદ્દાઓ પણ છાનબીન દરમ્યાન સપાટીએ આવવા લાગ્યા છે.  સત્તાવાર સાધનો પાસેથી તપાસના ધમધમાટ વચ્ચે મળેલી વિગતો મુજબ સીટની જુદી જુદી ચાર ટુકડીઓ કચ્છમાં આવ્યા બાદ પૂર્વ કચ્છના સામખિયાળીથી છેક પશ્ચિમ કચ્છના છેવાડાના અબડાસા સુધી તપાસમાં અવિરત પ્રવૃત રહી છે. આજે સામખિયાળી ખાતે રેલ્વે ટ્રેક સહિતની બાબતોને છાનબીન તળે આવરી લેવાઇ હતી. તો વિવિધ રેલ્વે મથકના સી.સી. ટી.વી. કેમેરાના દ્રશ્યો પણ હસ્તગત કરવામાં આવ્યા છે. સાધનોએ વધુમાં જણાવ્યું હતું કે હજુ સુધી કોઇ ચોકકસ કડી-પુરાવા પ્રાપ્ત થયા નથી. હત્યાનું આ સમગ્ર કૃત્ય અત્યંત આયોજનબદ્ધ રીતે અમલી બનાવાયાની વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે અત્યાર સુધી જુદા જુદા 50 વ્યકિતના નિવેદન લેવામાં આવ્યા છે. દરમ્યાન આધારભૂત સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર કચ્છી ભાષા બોલતા અને મૃતક જયંતીભાઇથી પરિચિત હોય તેવા લાગેલા બન્ને અજાણ્યા હત્યારા બનાવને અંજામ આપ્યા બાદ જતાં જતાં સહપ્રવાસી પવન મોર્યની બેગને જયંતીભાઇની બેગ સમજીને લઇ ગયા હતા. છાનબીન વચ્ચે આ બેગ આડેસર પાસેથી મળી આવી છે. જ્યારે એ.સી. કોચમાંથી મળેલી ભાનુશાલીની બેગમાંથી સેકસ સી.ડી. પ્રકરણ સંલગ્ન કાગળો તથા જમીનને લગતા દસ્તાવેજ મળ્યા છે. આ વિશે પણ ગંભીરતાથી છાનબીન ચાલી રહી છે.  આ વચ્ચે મૃતકના ભત્રીજા સુનીલ ભાનુશાલીએ લખાવેલી ફોજદારી ફરિયાદમાં જેમના નામ બતાવાયા છે તે છ જણ પૈકી સીટની ટુકડીએ આજે મૂળ ડુમરાના અને હાલે ભુજ રહેતા જયંતીભાઇ ઠકકરને બોલાવીને તેમની પૂછતાછ કરી હતી. આજે ઢળતી બપોરથી શરૂ થયેલી આ પૂછતાછ મોડી સાંજ સુધી અવિરત રહી હોવાથી શું પુછાયું તે બહાર આવ્યું નથી. સાથેસાથે મરનાર જયંતીભાઇ સાથે સંપર્ક ધરાવતા અને સંલગ્ન એવા અમદાવાદ સ્થિત વકીલ મિત્ર અને ગાંધીધામની કમલ ભાટિયા નામની વ્યકિત સહિતનાની પણ પૂછપરછ કરાઇ રહી છે. તપાસનીશો દ્વારા ભલે કેસ સાથે જોડાયેલી હોય તેવી વિગતોનો ફોડ પડાયો નથી પણ ગણગણાટ સ્વરૂપે બહાર આવેલી માહિતી અનુસાર સુરતના એક પ્રવાસી પાસેથી વર્ણન મેળવીને તૈયાર થઇ રહેલા આરોપીઓના રેખાચિત્રનું નિર્માણ પૂર્ણતાના આરે છે. આ સ્કેચ ડી.જી. આશિષ ભાટિયા દ્વારા જાહેર કરાય તેવી સંભાવના જોવાઇ રહી છે. તૈયાર થયેલા રેખાચિત્ર મુજબ એક આરોપી ઘઉંવર્ણો અને પાતળો તથા બીજો ઉંચો અને રૂપાળો હોવાનું જણાઇ રહ્યું છે.  તો હત્યાનો બનાવ બન્યો તેના બે કલાક પહેલાં ભોગ બનનારા જયંતીભાઇએ કચ્છ કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાબુભાઇ મેઘજી શાહ સાથે મોબાઇલ ફોન ઉપર વાતચીત કર્યાનું અને અન્ય એક ફોન કરનારને `પાં ગાંધીધામ સ્ટેશન તેં ટ્રેનમેં મલું' એવું કહેતા પણ સાંભળવા મળ્યું હતું. ગાંધીધામમમાં પૂર્વ ધારાસભ્યને કોણ મળવા આવ્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. તો સીટની તપાસ અંતર્ગત ગાંધીધામ રેલ્વે સ્ટેશન ખાતેથી એક બજાજ પલ્સર બાઇક બિનવારસુ હાલતમાં શંકાસ્પદ રીતે મળી આવતાં તેની પણ તમામ પાસાંઓની ચકાસણી કરાઇ રહી છે. સમગ્ર ઘટનાક્રમ વચ્ચે એક ગંભીર કહી શકાય તેવો મુદ્દો એ સપાટી ઉપર આવ્યો છે કે મૃતક જયંતીભાઇની બેગમાંથી મનીષ ચૂનીલાલ નંદાના નામનું આધારકાર્ડ મળી આવ્યું છે. જેમાં ફોટો જયંતીભાઇનો છે અને સરનામું 204, શિવવંદના ઇન્દ્રાલોક-3, નરેશ એમ્પાયર સામે ભાયંદર (પૂર્વ) થાણા મહારાષ્ટ્ર અને જન્મતારીખ 29/09/1970 લખાયેલી છે. આ બોગસ મનાતા આધારકાર્ડને લઇને વિવિધ પાસાંઓને આવરી લેતી તપાસ પણ શરૂ કરી દેવાઇ છે. જેમાં આ કાર્ડનો ઉપયોગ કયાં કયાં અને શા માટે થયો તેના સહિતની વિગતો ચકાસાઇ રહી છે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer