છબીલ પટેલને `ટ્રેસ'' કરવા માટે સીટની ટુકડીએ પ્રયાસો તેજ કર્યા

ભુજ, તા. 10 : ચકચારી જયંતી ભાનુશાલી હત્યા કેસમાં જેમને આરોપી બતાવાયા છે તેવા છ માથાઓ પૈકી મુખ્ય તહોમતદાર ગણાવાયેલા કચ્છના જ માજી ધારાસભ્ય છબીલભાઇ પટેલ કે જેઓ હાલે અમેરિકા હોવાનું બતાવાયું છે તેમને `ટ્રેસ' કરવાની કવાયત સીટની ટુકડીએ હાથ ધરી છે. સમાચાર સંસ્થા પી.ટી.આઇ.ના અહેવાલ મુજબ સીટની ટુકડીએ છબીલભાઇના પુત્ર સિદ્ધાર્થ પાસેથી તેના પિતા વિશે વિગતો જાણવા પ્રયાસો હાથ ધર્યા છે. તો હત્યાનો બનાવ બન્યો તે સમયગાળાથી અમદાવાદ વિમાની મથકેથી વિદેશ ગયેલા પ્રવાસીઓની યાદી પણ ચકાસાઇ રહી છે તેમ રેલ્વેના ડી.વાય. જે.પી.રાઓલે જણાવ્યું છે. જ્યારે રેલ્વેના એસ.પી. ભાવનાબેને એવું કહ્યુyં છે કે ફરિયાદ અને તેના ઉપરાંતની વિવિધ બાબતો પણ તપાસ તળે ચકાસવામાં આવી રહી છે. હત્યાનો બનાવ બન્યો એ સમયે સયાજીનગરી ટ્રેનમાં મૃતક સાથે પ્રવાસ ખેડનારા 17 સહપ્રવાસીને પણ પૂછતાછ માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેડું મોકલાયું છે.બહાર આવેલી વિગતો અનુસાર જે હથિયાર વડે હત્યા કરાઇ તે પ્રકારના હથિયારો બનાવવા માટે કુખ્યાત એવી શિકલીગર ગેંગ માહિર છે. ગુજરાતની સરહદે જંગલ વિસ્તારમાં આવા હથિયારો બનતા હોવાનું અને તે સામાન્ય રકમમાં વેચાતા હોવાનું જાણવા મળ્યું છે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer