સરકાર સુપ્રીમ; વર્માને સીબીઆઈમાંથી હટાવાયા

નવી દિલ્હી, તા. 10 : સુપ્રીમ કોર્ટે સીબીઆઇના ડાયરેક્ટરપદે બહાલ કર્યાના એક જ દિવસ બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની ઉચ્ચ સમિતિએ આલોક વર્માને સીબીઆઇના વડા પદેથી હટાવી દીધા હતા અને મીડિયા હેવાલો મુજબ તેમને ફાયર સર્વિસ અને હોમગાર્ડઝ વિભાગના ડાયરેક્ટર જનરલ બનાવાશે. આમ, દેશની મુખ્ય તપાસ એજન્સીમાં મચેલું ઘમાસાણ ઓર તીવ્ર બન્યું છે અને રાજકારણ પણ ગરમ બન્યું છે. મોદી ઉપરાંત કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે અને દેશના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ વતી ઉપસ્થિત થયેલા ન્યાયાધીશ સિકરીની ઉચ્ચ સિલેક્શન કમિટીએ બે કલાકથી પણ વધુ સમય ચાલેલી લાંબી બેઠકમાં આ નિર્ણય લીધો હતો. આ નિર્ણય 2 વિ. 1થી લેવાયો હતો અને ખડગેએ વર્માને હટાવવાનો વિરોધ કર્યો હતો. નાગેશ્વર રાવ સીબીઆઇના વચગાળાના વડા તરીકે કામ કરશે. સીબીઆઈના ઈતિહાસમાં તેના વડાને પદભ્રષ્ટ કરવાનો આ પહેલો બનાવ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભ્રષ્ટાચાર અને ફરજ બજાવવામાં થયેલી ઉણપો બદલ 1979 બેચના આઇપીએસ વર્માને હટાવાયા છે, આ અંગેનો ચીફ વિજિલન્સ કમિશનર (સીવીસી)નો હેવાલ સિલેક્શન કમિટી સમક્ષ રજૂ કરાયો હતો. વર્મા વિરુદ્ધ આઠ પ્રકારના આરોપ હતા. વર્મા 31 જાન્યુઆરીએ જ નિવૃત્ત થવાના છે. દરમ્યાન કોંગ્રેસે આ પગલાંને લઈને મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું હતું કે, સીવીસીના હેવાલમાં કોઈ વજન નહોતું અને સીવીસી વડાપ્રધાન કાર્યાલયના ઈશારે કામ કરી રહી છે. વડાપ્રધાનને કઈ બાબતનો ગભરાટ છે ! સર્વોચ્ચ અદાલતે ગઇકાલે જ 77 દિવસ બાદ વર્માને ફરી સીબીઆઇના ડાયરેક્ટરપદે બહાલ કર્યા હતા અને વર્માએ આવતાંવેત નાગેશ્વર રાવે કરેલા બદલીના આદેશો રદ્દ કરી નવા આદેશોય જારી કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, વર્મા અને સીબીઆઇના ખાસ ડાયરેક્ટર રાકેશ?અસ્થાનાએ એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા.અગાઉ 77 દિવસ બાદ પુન: સીબીઆઇના વડાનું પદ સંભાળતાંની સાથે જ આલોક વર્મા સક્રિય બન્યા હતા અને તત્કાલીન વડા એમ. નાગેશ્વર રાવે કરેલી તમામ બદલીઓને રદ કરવાનો આદેશ આપ્યા બાદ હવે વર્માએ આજે મહત્ત્વના અધિકારીઓની બદલીના નવા આદેશ કર્યા હતા. દરમ્યાન, ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી વર્માને મળ્યા બાદ અને મુલાકાત બાદ મહત્ત્વના નિવેદનમાં જણાવ્યું હતું કે આલોક વર્માને સીબીઆઇ ડાયરેકટરના પદ પરથી હટાવી શકાય નહીં, સુપ્રીમ કોર્ટ આ મામલે અગાઉ જ આપણને (સરકારને) પાઠ ભણાવી ચૂકી છે. વર્માએ આજે જોઇન્ટ ડાયરેકટર અભય ભટનાગર, ડીઆઇજી એમ.કે. સિન્હા, ડીઆઇજી તરુણ ગાબા, જે.ડી. મુરુગેસન અને એ.ડી. એ.કે. શર્માની બદલી કરી નાખી હતી. બીજી તરફ સીબીઆઇના ડી.એસ.પી. દેવેન્દ્ર કુમાર અધિકારીઓની બદલીનો આદેશ ફેરવી નાખવાના વર્માના નિર્ણય સામે હાઇકોર્ટ પહોંચ્યા છે. જો કે મોડેથી વર્માને જ હટાવી દેવાયા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer