સૌર અને પવન ઊર્જામાં કચ્છની ક્ષમતાનો ઉપયોગ કરાશે

અમદાવાદ, તા. 9 (અમારા પ્રતિનિધિ તરફથી) :  રાજ્યમાં સૌર ઊર્જા સાથેસાથે જ પવન ઊર્જાનું પણ ઉત્પાદન થાય અને બન્ને પ્રકારની પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનને એકસમાન પ્રોત્સાહન મળે તે માટે રાજ્યસરકારે વિન્ડ સોલાર-હાઈબ્રિડ  પોલીસી-2018 બહાર પાડી છે. આ નીતિ અંતર્ગત રાજ્યમાં આવનારા 10 વર્ષમાં ઓછામાં ઓછી 30 હજાર મે.વો. પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેમાં પણ સોલાર એન્ડ વિન્ડ એનર્જીમાં કચ્છની ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરાશે, એમ આજે રાજ્યના ઊર્જાપ્રધાન સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, 30 હજાર મેગાવોટના પ્રોજેક્ટ માટે અંદાજે 1 લાખ 20 હજાર કરોડ રૂપિયાનું મૂડીરોકાણ રાજ્યમાં થશે. તદઉપરાંત ઉત્પાદિત થનારી વીજળીને પ્રવહન કરવા માટેની વીજલાઇનો માટે અંદાજે 10  હજાર કરોડનું મૂડીરોકાણ થવાનો અંદાજ છે જેને કારણે રાજ્યમાં રોજગારીના અનેક અવસરો ઊભા થશે.  ઊર્જાપ્રધાન સૌરભભાઇ પટેલે કહ્યું કે,  જ્યાં સોલાર પાર્ક છે તે જ જમીનમાં સોલારની સાથે જ પવનચક્કી સ્થાપીને પવન ઊર્જા ઉત્પન્ન કરી શકાશે. આ જ રીતે વિન્ડ એનર્જી પાર્ક છે ત્યાં જ ખાલી જમીનમાં સોલાર પેનલો મૂકી, સૌર ઊર્જા ઉત્પન્ન કરી શકાશે. આ પોલિસીના કારણે જમીનની બચત થશે, એટલું જ નહીં પણ સોલાર અને વિન્ડ એનર્જી દ્વારા એક જ જમીનનો જુદા જુદા પ્રકારની પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પન્ન કરવા ઉપયોગ કરી શકાશે.  ઉપરાંત રાજ્યની વણવપરાયેલી  બિનઉપજાઉ અને ખરાબાની પડતર જમીનનો રાજ્યના વિકાસ માટે ફળદાયી  ઉપયોગ થશે તેમજ વીજળીના પ્રવહન માટેની વીજલાઇનો પણ તેની મહત્તમ ક્ષમતા પ્રમાણે ઉપયોગ કરી શકાશે. વધુમાં ઊર્જાપ્રધાને કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આવા હાઈબ્રિડ પાર્ક ડેવલપરને સરકારી ખરાબાની  જમીન 40 વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવશે. આવા ડેવલપરે 10 વર્ષમાં ભાડાપટ્ટે ફાળવાયેલ જમીન ઉપર તેમના પ્રોજેક્ટના 100 ટકા ક્ષમતા ઊભી કરી, પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદિત કરવાની રહેશે.  પાર્ક ડેવલપરને સરકારી જમીનના ઉપયોગ બદલ પ્રતિ હેકટર રૂા. 15000 વાર્ષિક ભાડું સરકારને ચૂકવવાનું રહેશે તથા દર ત્રણ વર્ષે આ ભાડામાં 15 ટકાનો વધારો કરવામાં આવશે. પાર્ક ડેવલપર આ જગ્યા સબલીઝ કરે તો પણ આ દરો ચૂકવવાના રહેશે. વધુમાં, પ્રતિ હેકટર રૂા. 15000 પ્રતિ વર્ષ માળખાંકીય સુવિધા માટે ચૂકવવાના રહેશે. હાઈબ્રિડ પાર્ક માટે ફાળવવામાં આવતી જમીન આપોઆપ બિનખેતીની જમીન ગણાશે એવો રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ લીધો છે, એમ જણાવી ઊર્જાપ્રધાને ઉમેર્યું હતું કે, પાર્ક ડેવલપરની પસંદગી માટે મુખ્યપ્રધાનના અધ્યક્ષ સ્થાને એક ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. જે પાર્ક ડેવલપરની પસંદગી તથા અન્ય મહત્ત્વના નીતિવિષયક નિર્ણયો લેશે. આ પાર્કમાં દેશના કોઇ પણ રાજ્ય પોતાના રિન્યૂએબલ પાવર પર્ચેઝ ઓબ્લિગેશન પૂરા કરવા માટે પોતાના રિન્યૂએબલ પ્લાન્ટ સ્થાપી શકશે તથા ઉત્પન્ન થયેલી વીજળી પોતાના રાજ્યમાં લઇ જઇ શકશે. મહત્ત્વનું છે કે,  રિન્યૂએબલ એનર્જી એટ્રેક્ટિવનેસ ઇન્ડેક્સ 2017 અન્વયે ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. આગામી 2022 સુધીમાં ભારત સમગ્ર વિશ્વમાં પુન:પ્રાપ્ય ઊર્જાના ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર બનશે ત્યારે ગુજરાત પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદન ક્ષેત્રે શિરમોર બની રહેશે. ગુજરાત સરકારે છેલ્લા 10 વર્ષમાં ચારણકા સોલાર પાર્ક, વિન્ડ પોલિસી, સોલાર પોલિસી, સ્કાય અને રૂફટોપ જેવી યોજનાઓ દ્વારા પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનને એક જનઆંદોલન બનાવ્યું છે ત્યારે હવે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ વખત એક જ જગ્યા પર પવન ઊર્જા તથા સૌર ઊર્જાનું ઉત્પાદન થાય એ માટે સોલાર વિન્ડ હાઈબ્રિડ પાર્કની સ્થાપનાની જાહેરાત કરી છે.   

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer