મકરસંક્રાંત નખત્રાણાના દબાણકારો પર ભારે

નખત્રાણા, તા. 10 : તાલુકાના આ મુખ્ય મથકે છેલ્લા કેટલાય સમયથી જાહેર રસ્તા પર થયેલાં દબાણો બાબતે અખબારી હેવાલોનાં પગલે નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી, માર્ગ અને મકાન પેટા વિભાગ (સ્ટેટ?અને પંચાયત) દ્વારા દબાણકર્તાઓને દિવસ સાતમાં પોતાનાં દબાણો દૂર કરવાની નોટિસ પાઠવવામાં આવતાં નાના-મોટા ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.તાજેતરમાં પ્રાંત અધિકારી ગોવિંદસિંહ રાઠોડની અધ્યક્ષતામાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં દબાણો, સ્વચ્છતા-સફાઇ તેમજ રખડતા પશુઓ અંગેના પ્રશ્નો રજૂ થતાં પ્રાંત અધિકારી દ્વારા જે-તે વહીવટી વિભાગોને આ અંગે તાત્કાલિક કડક પગલાં લેવાની સૂચના અપાતાં તે અનુસંધાને આ નોટિસ દબાણકર્તાઓને આપવામાં આવી છે.નોટિસમાં જણાવ્યા મુજબ અહીંની કચેરી હસ્તકના નખત્રાણા ગામ મધ્યેથી પસાર થતા ભુજ-લખપત રસ્તાના કિ.મી. 50થી 52 કિલોમીટર વચ્ચે વ્યવસાય અર્થે ગેરકાયદેસર રીતે લારી, કેબિન, રેંકડી વગેરે બિનઅધિકૃત દબાણ કરવામાં આવ્યું છે.તે દબાણનાં કારણે?ટ્રાફિકની સમસ્યા વધે છે તેનાં કારણે અકસ્માત સર્જાવાનો ભય રહે છે તેમજ નાસ્તાની લારીઓ પર વપરાતા પ્લાસ્ટિકનાં કારણે પશુઓના મોતની સમસ્યા, જાહેર માર્ગ પર ગંદકી, સ્વચ્છતાના પ્રશ્નો ઊભા થાય છે. આથી આવાં દબાણો દિવસ સાતમાં સ્વેચ્છાએ દૂર કરવા જણાવાયું છે અન્યથા અહીં કચેરી દ્વારા દૂર કરવામાં આવશે. આ અંગે નુકસાની/ખર્ચની જવાબદારી અંગત રહેશે.ગ્રામ પંચાયત દ્વારા નગરમાં રખડતા-ભટકતા પશુમાલિકોને રિક્ષા ફેરવી જાણ કરવામાં આવી છે કે પોતાના ઢોર પોતાના ઘેર લઇ?જવા અન્યથા તા. 15/9 સુધી જો પોતાના ઢોર નહીં લઈ જવામાં આવે તો પંચાયત દ્વારા રખડતા-ભટકતા પશુઓને પકડવાની ઝુંબેશ હાથ ધરાશે અને આવા ઢોરોને પાંજરાપોળ મોકલવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી આ નગરમાં નાના-મોટા દબાણોએ માઝા મૂકી છે. નાના-મોટા ધંધાર્થીઓ રેંકડીઓ પર ધંધો કરી આજીવિકા નડતરરૂપ થવા સિવાય મેળવે તો વાંધો ન હોઇ?શકે પરંતુ થોડા સમયથી દુકાનદારો દ્વારા પોતાની દુકાનો બહાર જાહેર માર્ગો પર આઠ ફૂટના પતરાનાં શેડ બનાવી જાહેર રોડ?પર દબાણ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, આ દુકાનદારો પોતાની દુકાનો બહાર નાના-મોટા રેંકડીધારકોને ઊભા રાખી તેમની પાસેથી તગડું ભાડું પણ વસૂલતા હોવાની ફરિયાદ સાથે આક્ષેપ પણ થઇ રહ્યા છે. હવે તા. 16/1થી દબાણ હટાવ ઝુંબેશ આવી રહી છે ત્યારે આ ઝુંબેશમાં લીલા સાથે સૂકા બળશે એમાં બે મત નથી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer