ભુજમાં પશુ સુરક્ષા કેન્દ્રના ઢોરોને પાંજરાપોળમાં શા માટે નથી મુકાતા ?

ભુજ, તા. 10 : કચ્છમાં સરકાર દ્વારા અછત જાહેર કરી અને પાંજરાપોળ તથા ગૌશાળામાં સબસિડીની ઘોષણા કરી હોવા છતાં ભુજ સુધરાઇ 80થી 90 જેટલા રખડતા ઢોરોને પશુ સુરક્ષા કેન્દ્રમાં સાચવી નિભાવ કરી રહી છે ત્યારે અંગત લાભ છોડી અને આ ઢોરોને પાંજરાપોળમાં મૂકે તો ઘાસચારા પાછળનો લાખો રૂપિયાનો ખર્ચ બચાવી શકાય.  સૂત્રોના જણાવ્યા અનુસાર ભુજમાં સુધરાઇ દ્વારા લોકોની સમસ્યા દૂર કરવાના ઉદ્દેશ સાથે રખડતા ઢોરોને પકડી અને તેમને રાખવા માટે ઢોરવાડો બનાવી એક આવકારદાયક પહેલ કરી હતી પણ સમયાંતરે બધું વિસરાઇ ગયું અને ઝુંબેશ પણ બંધ થઇ ગઇ. કચ્છમાં પશુ દીઠ સબસિડી પણ ચૂકવાઇ રહી છે તો અગાઉ પકડાયેલા 80થી 90 ઢોરના નિભાવનો સુધરાઇ દાતાઓ તથા કચેરીની તિજોરી પર ભાર  નાખવાનું બંધ કરે તેવું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે. હાલે કચ્છમાં અછત જાહેર થઇ ગઇ છે અને પાંજરાપોળો તથા ગૌશાળામાં સબસિડી પણ અપાઇ રહી છે ત્યારે પશુ સુરક્ષા કેન્દ્રમાં રાખેલા રખડતા ઢોરોને કોઇ પાંજરાપોળમાં સોંપાય તો મોટો ખર્ચ બચી શકે તેમ છે. જો કે, જાણકારોના જણાવ્યા અનુસાર સુધરાઇ સાથે સંકળાયેલા ઘાસચારો અને ખળભૂસાના અમુક ધંધાર્થીઓને પશુ સુરક્ષા કેન્દ્ર થકી સારી એવી આવક થતી હોવાથી આ ઢોરોને પાંજરાપોળમાં મુકાતા નથી તેવો આક્ષેપ પણ થઇ રહ્યો છે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer