પૂર્વ કચ્છમાં આંકડાના બે દરોડામાં 3ની ધરપકડ

ગાંધીધામ, તા. 10 : શહેરના શક્તિનગર વિસ્તારમાં આવેલા મેદાનમાં વરલી મટકાનો આંક  ફેરનો જુગાર ખેલતા એક શખ્સની ધરપકડ કરી તેની પાસેથી રૂા. 43,180નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો તથા અંજારનાં ગંગા નાકા પાસે વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સોની અટક કરી તેમની પાસેથી રૂા. 14,680નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. આ શખ્સો જેને આંકડો લખાવતા હતા તેવા ત્રણ શખ્સોનાં નામ બહાર આવ્યાં હતાં. શહેરના શક્તિનગર વિસ્તારમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને આર.આર. સેલે છાપો માર્યો હતો. અહીં મેદાનમાં ફોન ઉપર વરલી મટકાનો જુગાર લેનાર મગન ઉર્ફે જીન્ગો સુમાર મહેશ્વરી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આ શખ્સ પાસેથી રોકડ રૂા. 21,180, મોબાઇલ તથા સ્કૂટર નંબર જી.જે. 12-ડી.પી. 7756 આંકડાનું સાહિત્ય એમ કુલ રૂા. 43,180નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. પકડાયેલો આ શખ્સ પોતાના ઉપરી એવા લીલાશાહના વસંતલાલ ડુંગરશી શાહ નામના શખ્સને લખાવતો હતો. પરંતુ આ વસંતલાલ શાહ પોલીસના હાથમાં આવ્યો ન હતો. સ્થાનિક  પોલીસને અંધારામાં રાખીને બહારની એજન્સી સફળ કામગીરી કરી ગઇ હતી. ત્યારે સ્થાનિક પોલીસને આવી બદીની જાણ ન હોય તેવું ન બને તેવું લોકો જણાવી રહ્યા છે. આ પગલાં બાદ હવે કોની જવાબદારી બેસાડાય છે અને કોની વિકેટ પડે છે તે જોવાનું રહ્યું. તો બીજી બાજુ અંજારનાં ગંગા નાકા નજીક પેટ્રોલ પમ્પ પાસે સ્થાનિક પોલીસે છાપો માર્યો હતો. અહીં જાહેરમાં ફોન ઉપર આંકડો લખતા શંકર માલજી બારોટ અને ધીરૂ શાંતિલાલ પઢિયાર નામના શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 10,180 તથા ત્રણ મોબાઇલ એમ કુલ રૂા. 14,680નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. પકડાયેલા આ શખ્સો યાસીન શેખ અને હુશેન ઉર્ફે રઘુભાઇ નામના ઇસમો જે પોતાના ઉપરી છે તેમને લખાવતા હતા. આ બન્ને ઇસમો પણ પોલીસના હાથમાં આવ્યા ન હતા. મોટાભાગે પોલીસની આવી કાર્યવાહીમાં નાની માછલીઓ જ પકડાતી હોય છે, જ્યારે મોટા મગરમચ્છ હાથમાં આવતા હોતા નથી તેવું લોકો જણાવી રહ્યા છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer