શિકારપુરમાં મંદિરમાંથી 2.20 લાખના દાગીના ચોરાયા

ગાંધીધામ, તા. 10 : ભચાઉ તાલુકાનાં શિકારપુરમાં આવેલા પટેલ સમાજના ઢાઢી પરિવારના બહુચરાજી માતાના મંદિરનાં તાળાં તોડી કોઇ શખ્સો તેમાંથી રૂા. 2,19,717ના સોના, ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી ગયા હતા. શિકારપુરમાં આવેલાં બહુચરાજીનાં મંદિરનાં તાળાં ગત તા. 9-1ના મોડી રાત્રે બે વાગ્યાના અરસામાં તૂટયા હતા. ત્રણથી ચાર નિશાચરોએ આ મંદિરનાં તાળાં તોડી અંદર ઘૂસ્યા હતા અને અંદર ઘૂસી માતાજી ઉપર ચડાવેલા ચાંદીના નાના-મોટા છત્તર, ચાંદીનું તોરણ, ઝાંઝરી જોડી-2, સાંકળા નંગ-3, સોનાની બુટી નંગ-1, નાકની નથડી નંગ-1 એમ કુલ રૂા. 2,19,717ના દાગીનાની ચોરી કરી નિશાચરો નાસી ગયા હતા.  મંદિરના પૂજારી પ્રવીણદાસ ત્રિભુવનદાસ સાધુએ આ અંગે પટેલ સમાજના લોકોને જાણ કરતાં લોકો ત્યાં દોડી આવ્યા હતા અને મંદિરમાં લાગેલ સીસી ટીવીની તપાસ કરતાં તે બંધ હાલતમાં મળ્યા હતા. દરમ્યાન મંદિરની સામે આવેલી પ્રાથમિક શાળામાં લાગેલા સીસી ટીવીની તપાસ કરાતાં તેમાં ત્રણથી  ચાર તસ્કરો મોડી રાત્રે મંદિર પાસે ચોરી કરવા આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. ચોરીના આ બનાવ અંગે ભવાન મૂરજી પટેલ (ઢાઢી)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મંદિરમાં ચોરીનાં પગલે શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી ફેલાઇ હતી. પૂર્વ કચ્છમાં વધી રહેલા ચોરી, લૂંટ, ચીલઝડપ, ફાયરિંગ સહિતના બનાવોને પગલે અહીં કાયદો વ્યવસ્થા કથળી ગઇ હોવાનો અહેસાસ લોકોને થઇ રહ્યો છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer