નજીવી કિંમતના પતંગ માટે મહામૂલી જિંદગી જોખમમાં ન મૂકો

ભુજ, તા. 10 : ઉત્તરાયણને થોડાક જ દિવસો બાકી છે ત્યારે નજીવી કિંમતના પતંગ માટે મહામૂલી જિંદગી જોખમમાં ન મુકાય તેનો ખ્યાલ રાખવા પીજીવીસીએલએ અપીલ કરી છે. પીજીવીસીએલ-ભુજ વર્તુળ કચેરીના અધીક્ષક ઇજનેરે ઉત્તરાયણને પર્વને અનુલક્ષીને વીજતારમાં ફસાયેલા પતંગને કાઢવા માટે સર્જાતા અકસ્માતમાં મહામૂલી જિંદગી જોખમમાં ન મૂકવા અનુરોધ કરી વિવિધ સૂચનો કર્યા છે. જેમાં વીજળીના તારને ન અડવા તેમજ પતંગ કે દોરી વીજળીના થાંભલા કે તારમાં ફસાઇ?જાય ત્યારે તેને લેવા માટે થાંભલા ઉપર કે તાણિયા ઉપર ન ચડવા જણાવી ઉમેર્યું કે, વીજળીના વાયર / તાર ઉપર પડેલા પતંગ લેવા લંગર નાખશો નહીં. આ રીતે લંગર નાખીને તેને ખેંચવાથી વીજળીના તાર ભેગા થતાં મોટા ભડાકા થવાથી કે તાર તૂટી જવાથી અકસ્માત થવાની તેમજ વીજ વપરાશના સાધનો (ઉપકરણો) બળી જવાની સંભાવના રહેલી છે. ધાતુના તાર બાંધીને પતંગ ઉડાડશો નહીં કારણ કે ધાતુના તાર વીજળીના તારને અડકતાં વીજળીનો આંચકો લાગવાની પૂરતી સંભાવના છે. આ ઉપરાંત વીજળીના તૂટેલા તારથી દૂર રહો. નજીકના વાયર પર વીજ કરંટ ઊતરતો હોય તો તે બાબતની ફરિયાદ અમારી સંલગ્ન પેટા વિભાગીય કચેરી ઉપર રૂબરૂમાં અથવા ફોન દ્વારા તુરંત જ કરવા યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer