અંજારથી અયોધ્યા સુધી હિન્દુઓનો અવાજ પહોંચાડાશે

ભુજ, તા. 15 : અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે અંજાર ખાતે 18મીએ યોજાનારા હિન્દુ મહાસંમેલનનો અવાજ અંજારથી અયોધ્યા સુધી પહોંચાડવાની હાકલ આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં વિહિપે કરી હતી.ભુજ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતાં વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ જિલ્લાના પ્રમુખ રઘુવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હિન્દુઓની સરકાર આવી અને હવે પાંચ વર્ષ પૂરા થવા આવ્યા છતાં કંઈ જ કર્યું નથી, સુપ્રીમ કોર્ટ દ્વારા પણ હજુ ફેંસલો આપવામાં નથી આવ્યો ત્યારે સમગ્ર દેશના હિન્દુઓ-સાધુ સંતોએ રામમંદિરના નિર્માણ માટે અવાજ ઉઠાવ્યો છે. તેના ભાગરૂપે કચ્છમાં પણ તા. 18/12ના સાંજે 3 વાગ્યે અંજારના ટાઉનહોલના મેદાનમાં હિન્દુ સંમેલન યોજાશે. અંદાજિત 30 હજાર હિન્દુઓ ઉમટશે તેવી માહિતી તેમણે આપી હતી. મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય એ માટેના પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યા છે. સંમેલન પૂર્વે શહેરોમાં બાઈક રેલી નીકળશે. 700 ગામોમાં નાની મોટી સભાઓ, લોકસંપર્ક કરવામાં આવે છે. દુર્ગાવાહિનીઓ દ્વારા બાઈક રેલી નીકળશે. સંમેલનના માધ્યમથી સમરસતાનો સંદેશ ફેલાવવામાં આવશે એમ તેમણે કહ્યું હતું. મંદિર તો બનશે પણ સૌને સંકલ્પ લેવા અને હિન્દુઓને જાગૃત કરવાના હેતુથી આ સંમેલન યોજાનાર છે. બજરંગ દળ, સાધુ-સંતો વગેરે આ કાર્ય માટે સક્રિય થયા હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજકીય આગેવાનો પણ સભાને લઈ હકારાત્મક છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈ હિન્દુઓની લાગણીને નજરઅંદાજ કરવામાં આવશે તો સહન નહીં કરાય એવો હુંકાર કરી રામમંદિરનો સંકલ્પ પૂર્ણ કરીશું એમ સ્પષ્ટ કહ્યું હતું. પશ્ચિમ કચ્છના પ્રમુખ ચેતનભાઈ રાવલની હાજરીમાં યોજાયેલી આ પત્રકાર પરિષદમાં પ્રારંભમાં જિલ્લાના મંત્રી ડો. કૃષ્ણકાંત પંડયાએ પૂર્વભૂમિકા આપી વિધર્મીઓના આક્રમણ વગેરેનો ઈતિહાસ દોહરાવ્યો હતો. સમગ્ર દેશના વિહિપ કાર્યકરો, સાધુ સંતોએ નક્કી કર્યું છે કે 544 સાંસદો સાથે રામમંદિરના મુદ્દે ચર્ચા કરવામાં આવે તેના ભાગરૂપે 544 સ્થળોએ સભા-સંમેલન યોજાશે. કચ્છમાં અંજાર શહેરની પસંદગી કરવામાં આવી છે. સંમેલનને વિહિપના કેન્દ્રીય મંત્રી ઉમાશંકર શર્મા સંબોધન કરવાના છે એમ તેમણે જણાવ્યું હતું. બજરંગ દળના મયંકભાઈ ગોર હાજર રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer