મોજીલું ભુજ પાયાના પ્રશ્નોનો ઉકેલ ઝંખે છે

મોજીલું ભુજ પાયાના પ્રશ્નોનો ઉકેલ ઝંખે છે
ભુજ, તા. 11 : ખુશ મિજાજી...અલબેલા એવા કચ્છના મુખ્યમથક માટે કહેવાયું છે કે, ભુજ બજર સૂંઘે અને કચ્છ છીંકે. વિકાસની હરણફાળ ભરતા એવા આ શહેરનો આવતીકાલ માગસર સુદ પાંચમ તા. 12/12/2018ના 471મો સ્થાપના દિવસ ઉજવવા ભુજવાસીઓ થનગની રહ્યા છે.  પાંચ નાકા અને છઠ્ઠી બારીની અંદર અને ઓક્ટ્રોયની હદમાં આવેલું ભુજ આજે 56 કિ.મી.માં વિકસ્યું છે. શહેરમાં ભુજિયો ડુંગર તથા હમીરસર બ્યુટિફિકેશન, નવું બસ સ્ટેશન સહિત અનેક નવા પ્રોજેકટ  આગળ ધપી રહ્યા છે. પરંતુ સ્થાનિકોને પાયાની સુવિધા આપવામાં ક્યાંક તંત્ર નબળું પડી રહ્યાની લોક ફરિયાદો ઊઠી રહી છે. કરોડોના આંકડા સાથે વિવિધ યોજનાઓ ગાઇ-વગાડીને લોકો સમક્ષ લઇ જવાય છે પણ વર્ષોથી અમુક સમસ્યા ભુજનો કેડો મૂકતી નથી તેવું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે ત્યારે શહેરના વિકાસમાં ક્યાંક ને ક્યાંક સહયોગ આપી ચૂકેલા અગ્રણીઓનો શહેરની ખૂટતી કડીઓ તથા વિકાસ કામો મુદ્દે મત જાણવા પ્રયાસ કરાયો હતો.  ભુજને મહા નગરપાલિકાના દરજ્જાના  પ્રયાસ  શહેરનો વિસ્તાર વધ્યો છે ત્યારે સૌ પ્રથમ તો મહા નગરપાલિકા મળે તેવી મુખ્ય રજૂઆત કરાઇ હોવાનું ધારાસભ્ય નીમાબેન આચાર્યે જણાવી ઉમેર્યું કે, પાણી સમસ્યા હલ કરવા નર્મદાના નીરનો જથ્થો વધારવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે. ઉપરાંત ભારાપર યોજનામાં ચાર નવા બોર બનશે તેમ જ ફિલ્ટર પ્લાન્ટ તૈયાર થઇ ગયો છે. શહેરમાં ચાર ઓવરહેડ ટેન્ક મંજૂરીમાં છે. ધૂનારાજા ડેમમાંથી પણ ભુજને પાણી મળે તેનો પ્રોજેકટ પણ મંજૂરી અર્થે મુકાયો છે. 27 કરોડના ખર્ચે નવી ગટર લાઇન કામનું આયોજન છે. 35થી 40 કરોડના ખર્ચે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો પ્રોજેકટ પ્રગતિમાં હોવાનું કહી લોક સુવિધાર્થે આગામી સમયમાં નવી બસ પણ ફાળવવા સરકારમાં રજૂઆત કરાશે. ભુજિયા ડુંગરના પ્રોજેકટ અંતર્ગત પ્રથમ તબક્કાના કામનું ટુંક સમયમાં લોકાર્પણ થશે અને અન્ય કામ ઝડપભેર આગળ ધપાવાશે તેમજ મેન્ટેનન્સનો સમયગાળો વધારી 10 વર્ષ કરવા પ્રયત્નો થઇ રહ્યા છે. ઉપરાંત જાળવણી કામમાં મોટી સંસ્થા-ઉદ્યોગોનો પણ સહયોગ માગવા ચર્ચા ચાલી રહી છે. શહેરના ફરતે આવેલા 42 તળાવોને પણ વિકસાવવાનું આયોજન હોવાનું કહી દેશલસર તળાવમાં ગટરના પાણી અટકાવાશે. શહેરમાં બાંધકામ મુદ્દે 1+4ની મંજૂરી પણ સરકારમાં મગાઇ હોવાનું શ્રીમતી આચાર્યે જણાવ્યું હતું. 


હમીરસર તળાવમાં અટકેલા કામ  અંગે ઝડપભેર નિર્ણય લેવાશે
ભુજવાસીઓને નિયમિત અને પૂરતું પાણી મળી રહે તેવા સતત પ્રયાસો થઈ રહ્યા છે તેવું સુધરાઈ અધ્યક્ષા લતાબેન સોલંકીએ જણાવી ઉમેર્યું કે નવા અનેક વિસ્તારોમાં ગટરલાઈન નથી જેથી ત્યાં લાઈનો નાખવાનું આયોજન હાથ ધરાયું છે. સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામ બાદ સ્ટેશન રોડ પર આર.સી.સી. રોડ બનાવાશે. હમીરસર તળાવમાં બાંધકામનો અટકેલો પ્રશ્ન પણ સત્વરે ઉકેલાશે તેમજ ભુજિયાની સામે તરફના દબાણો દૂર કરી ત્યાં સુંદર સ્થળ બનાવાશે જેથી લોકોને નવું હરવા-ફરવાનું સ્થળ મળશે. રાજેન્દ્ર બાગના પણ રિનોવેશનની વિચારણા હોવાનું લતાબેને જણાવ્યું હતું.


લોકોની સમસ્યા ઉકેલને પ્રાથમિકતા આપવી 
વિકાસના કામોને આગળ ધપાવવા સહિયારા પ્રયસો કરવા જોઇએ તેમજ લોકોને પાયાની સુવિધા મળે અને તેમની સમસ્યા ઉકેલવાને પ્રાથમિકતા આપવી જોઇએ તેવું સુધરાઇના ઉપપ્રમુખ ડો. રામ ગઢવીએ જણાવ્યું હતું. 


લાઇટનો કોન્ટ્રાકટ સ્થાનિકને સોંપવો જોઇએ 
પૂર્વ નગરપતિ બાપાલાલભાઇ જાડેજાએ જણાવ્યું કે, પાણી એ જીવન જરૂરી છે ત્યારે શહેરને પાંચ-છ દિવસે ફાળવણી યોગ્ય નથી, જેથી તે વ્યવસ્થા સુધારવી અતિ જરૂરી છે. ઉપરાંત હાલમાં લાઇટનો કોન્ટ્રાકટ બારાતુ કોન્ટ્રાકટરને સોંપાયો છે જેથી ફરિયાદ ઉકેલવામાં મુશ્કેલી થતી હોવાનું લોકો જણાવી રહ્યા છે ત્યારે આ કામ સ્થાનિકને અપાય તો સમસ્યા હલ થઇ શકે. 


વિકાસના કામોમાં રોડા અયોગ્ય 
ભુજના પૂર્વ નગરપતિ નરેન્દ્ર (શંકર)ભાઇ ઠક્કરે હમીરસર-સાયકલ ટ્રેક પ્રોજેકટના ઉદાહરણ સાથે જણાવ્યું કે, વિકાસના કામો થવા દેવા જોઇએ તેમાં યેનકેન કારણોસર નખાતા રોડા યોગ્ય નથી. કામની ગુણવત્તા જોવાનું કામ તંત્ર-અધિકારીનું છે. કચ્છ ટુરિઝમ ક્ષેત્રે વિકાસ પામ્યું છે ત્યારે દિવાળી પર્વે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટતાં તેમને રહેવાની સમસ્યા સર્જાઇ હતી અને ફૂટપાથ પર રહેવું પડયું હતું ત્યારે હોમ સ્ટે, પેઇંગ ગેસ્ટનો વિચાર શહેરીજનોએ અપનાવવો જોઇએ. ભુજમાં દૈનિક પ6 ટન કચરો એકત્ર થાય છે ત્યારે સફાઇ પ્રત્યે લોકોએ જાગૃત થવું જોઇએ સાથોસાથ સુધરાઇએ ચારેક કમ્પેકટર વસાવવા જોઇએ અને તેના મારફતે એકત્રીત થયેલો કચરો ટપકેશ્વરી બાજુ આવેલી ખાણમાં નાખવા સૂચન કર્યું હતું.  


લોકોને માત્ર પાયાની સુવિધા જ જોઇએ છે 
જાણીતા ધારાશાસ્ત્રી અને પૂર્વ નગરપતિ શંકરભાઇ સચદેએ વિકાસના કામોને બદલે લોકોને પાયાની સુવિધા લાઇટ, પાણી, સફાઇ અને આરોગ્ય અપાય તો પણ ઘણું છે તેમ જણાવી અનેક રસ્તા ચાલવા લાયક નથી ત્યારે સ્માર્ટસિટીની વાતને `િદલ બહલાને કે લીયે ખ્વાબ અચ્છા હૈ' સાથે સરખાવી હતી.  


ભુજના વિકાસની ખૂટતી કડીઓ
સુધરાઇના પૂર્વ મુખ્ય અધિકારી અનિલભાઇ જોષીએ જણાવ્યું કે, પાણીનો પ્રાણપ્રશ્ન ઉકેલવા ધ્યાન અપાય છે પરંતુ ફળ મળતાં નથી. જેથી આ સમસ્યા ઉકેલવા `ઝોનિંગ' કરવાની જરૂર છે.  અગાઉ મ્યુ. ફાયનાન્સ બોર્ડની ગ્રાંટમાંથી મહાદેવ નાકે ટાંકાનો 1996માં વર્કઓર્ડર અપાયો પરંતુ દુર્ભાગ્યે આ ટાંકો ભરાતો જ નથી, તે પરત્વે ધ્યાન આપવાની જરૂરત છે. આ ઉપરાંત સંસ્કારનગરના કોમન પ્લોટમાં, ઉમેદનગર(નવી અને જૂની)ની વસ્તી ધ્યાન લઇ ટાંકા બનાવાય, ધરતીકંપ બાદ લાઇનોને ઘણી જફા પહોંચી છે ત્યારે નવી લાઇનો નાખવી જરૂરી છે.


 ભુજની નજર ઉતરાવો...
શહેરને કોઇની નજર લાગી હોય તેવું લાગી રહ્યું હોવાનું સિનિયર સિટીઝન કાઉન્સિલ ઓફ કચ્છના પ્રમુખ વિજયભાઇ પુરોહિતે જણાવી ઉમેર્યું હતું કે મોજીલું, મસ્ત રંગીલું ભુજ આજે ગાંધીધામ સંકુલ જેમ પાંચ પાંચ ઓથોરિટીએ  દ્રૌપદી બની રહ્યું છે. `ભાડા'માં સમાવેશ છતાં આજે પાલિકા, જીઇબી, ગેસ, ગટર, એજન્સીઓ સંકલન વિના શહેરની સુંદરતા હરી રહી છે. દબાણ કરવું એ તો જાણે મામુલી વાત બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે. ભાડા દ્વારા પાર્કિંગના નામે કપાત કરાઇ, અનામત પ્લોટ હવે શોધાય તો સારું. જો હાઉસિંગ બોર્ડના મકાનો 1+2 બની શકે તો આમલોકોના કેમ નહીં ? આ ઉપરાંત વન વે ટ્રાફિક અમલમાં મુકાય તો ટ્રાફિકના પ્રશ્નો પણ ઉકેલાઇ જાય. રખડતા ઢોરોને પકડવાની કાર્યવાહી કરી અને દંડ તથા 3 માસની સજાની જોગવાઇઓનો અમલ કરે તો ભટકતા મોતના પંજામાંથી લોકોને બચાવી શકાય તેમ છે.


ભુજનો આધાર માત્ર નર્મદાના નીર 
નગરપાલિકાની મોટા ભાગની શાખાના અનુભવી એવા પૂર્વ કર્મચારી અને રાજપૂત સમાજના પ્રમુખ રમેશભાઇ સોલંકીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પાણીના તળ ઊંડાં ગયાં છે ત્યારે ભુજની પાણી સમસ્યા હલ કરવા નર્મદાના નીર સિવાય કોઇ ઉકેલ નથી. ઉપરાંત વિતરણ વ્યવસ્થામાં ભુજિયા ટાંકેથી શિવકૃપા તરફ પાણીનો જથ્થો વધારવો જરૂરી છે કેમ કે, જનરલ હોસ્પિટલથી છેક પ્રભુનગર સુધી બે-બે રિલોકેશનનો વિસ્તાર સમાવતી મુખ્ય લાઇન છે. જેથી એ દ્રષ્ટિએ જથ્થો વધારે જોઇએ તેમ જણાવ્યું હતું.               

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer