હૃદય એ ઇશ્વરનું દીવાનખાનું છે

હૃદય એ ઇશ્વરનું દીવાનખાનું છે
ભુજ, તા. 11 : ભગવત પ્રાપ્તિ કર્યા પછી જગતમાં કશું મેળવવાનું બાકી રહેતું નથી. સર્વેમાં ભગવાનનો વાસ છે તેથી પ્રત્યેક પ્રત્યે પ્રીતિ રાખવી જોઇએ અને આપણા મનને એવી પ્રવૃત્તિમાં ફસાવા દેવું જોઇએ નહીં કે જેથી આપણે ભગવાનને ભૂલી જઇએ. અહીંના રામકૃષ્ણ યુવક મંડળની સુવર્ણ જયંતીના ઉપલક્ષ્યમાં મંડળની સેવાકીય અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓના વિકાસના હેતુથી યોજાયેલી શ્રીમદ્ ભાગવત કથાના સમાપન અવસરે વ્યાસપીઠ પરથી રામકૃષ્ણ આશ્રમ વિશાખાપટ્ટનમના સ્વામી ગુણેશાનંદજીએ શ્રીમદ્ ભાગવત કથાનું મહાત્મ્ય વર્ણવતાં એવું જણાવ્યું હતું. ભકતના લક્ષણ વર્ણવતાં એમણે સાચો ભકત કોને કહેવાય તે સમજાવ્યું હતું. અપરાધીને ક્ષમા, સમયનો સદ્ઉપયોગ, રાગદ્વેષનો ત્યાગ, અહંકારનો ત્યાગ, નિષ્કામ સેવા અને ભૂખમાં ઇશ્વરનું નામ એ સાચા ભકતના લક્ષણો છે. તા. બીજી ડિસેમ્બરથી આરંભાયેલી કથા દરમ્યાન તા. 4ના કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરાયું હતું. એ પ્રસંગે  કથાના મુખ્ય દાતા દીપેશ ગોસ્વામી  પરિવારે મુખ્ય લ્હાવો લીધો હતો. કથા શ્રવણ દરમ્યાન આશાપુરા મંદિરના મહંત જનાર્દન દવે, કબીર મંદિરના મહંત કિશોરદાસજી, આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી ઉપરાંત ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામી વૃંદે હાજરી આપી હતી. સ્વામી ગુણેશાનંદજીએ આર્ષ અધ્યયન કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત કચ્છી લેવા પટેલ હાઇસ્કૂલ, કચ્છ યુનિવર્સિટીમાં પણ પોતાના વકતવ્યનો લાભ આપ્યો હતો. કથાના મુખ્ય દાતા તરીકે  નારાણ રવા ડાંગર તથા દીપેશ ગોસ્વામી રહ્યા હતા. કથા સમગ્ર દિવસો દરમ્યાન ભુજ શહેરના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી કથા શ્રવણનો લાભ લીધો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer