માંડવી માટે બસ ઈચ્છતા ઝરપરાના છાત્રોએ મુંદરામાં રસ્તા રોક્યા

માંડવી માટે બસ ઈચ્છતા ઝરપરાના છાત્રોએ મુંદરામાં રસ્તા રોક્યા
મુંદરા, તા. 11 : તાલુકાના ઝરપરા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થી ભાઈ-બહેનો માંડવી અભ્યાસ અર્થે જાય છે પરંતુ બસ ફાળવવામાં આવતી નથી. પરિણામે ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ મુંદરા એસ.ટી. ડેપોના મુખ્ય પ્રવેશદ્વાર સામે ધરણા કરતા યાતાયાતને અસર પહોંચી હતી. બાદ સમજાવટના અંતે બસ વ્યવહાર રાબેતા મુજબ બન્યો હતો. મુંદરા એસ.ટી. ડેપો મેનેજરને લખેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓ માંડવી કોલેજમાં પહોંચવા માટે ભુજપુરથી બસને પકડવા માટે ખાનગી વાહનોમાં જાય છે. આ મુસાફરી અસલામત છે. જો ભુજપુર સમયસર પહોંચીએ નહીં તો બસ ચૂકી જવાય છે, જેની અસર અભ્યાસ ઉપર પડે છે. પત્રમાં માગણી કરવામાં આવી છે કે સવારે 6 વાગ્યે મુંદરાથી ઉપડતી મુંદરા - માંડવી (વાયા ઝરપરા) અને માંડવી-મુંદરા (વાયા ઝરપરા) બસ બપોરના 1.15 વાગ્યે ઉપાડવામાં આવે. સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કરી રહેલા આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે, આ રૂટની બસ શરૂ કરવા અમે વારંવાર માગણી કરી છે પણ બસ શરૂ કરવામાં આવતી નથી. સોમવાર સુધી બસ ચાલુ કરવામાં નહીં આવે તો મંગળવારથી ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું પત્રમાં જણાવાયું છે. આવેદનપત્રની સાથે માંડવી અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ-બહેનોની યાદી પણ સામેલ કરી છે. પત્રની જાણ અન્ય સંબંધિત તંત્રને કરવામાં આવી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer