યુવા સામાજિક ઐક્ય સાઇકલયાત્રાથી ચોવીસી ગુંજી ઊઠી

યુવા સામાજિક ઐક્ય સાઇકલયાત્રાથી ચોવીસી ગુંજી ઊઠી
વસંત પટેલ દ્વારા
કેરા (તા. ભુજ), તા. 11 : ડિસેમ્બરની 28થી 31 તારીખે યોજાનાર કન્યા વિદ્યામંદિર રજત જયંતી ગરિમા મહોત્સવનું આમંત્રણ સમાજ જ્ઞાતિ સભ્યોને ઘર ઘર પહોંચાડવા રવિવારે તાલુકાની પટેલ ચોવીસી સાઇકલમય બની હતી. 168 સાઇકલવીરોએ  110 કિ.મી.નું અંતર કાપી 24 ગામની યાત્રા કરી હતી. જેમાં નવ વર્ષથી 88 વયજૂથના જ્ઞાતિજનો જોડાયા હતા. ગામો ગામ સ્વાગત સન્માન થતાં સમાજોત્સવ જેવો માહોલ ખડો થઇ ગયો હતો. કચ્છી લેવા પટેલ સમાજ, એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ, યુવક સંઘ ભુજ ત્રણેય પાંખોના આયોજન તળે યુવા સામાજિક ઐક્ય યાત્રાનો પ્રારંભ માધાપર સરસ્વતી વિદ્યાલય ખાતેથી કરાવતાં વડીલ ધનજી ભંડેરીએ કહ્યું સમાજ સંસ્થાનો ઉદય કપરા કાળમાં થયો છે. આજે આ સંસ્થા ગુજરાતની માતબર સંસ્થા બની છાંયડો આપતી થઇ છે ત્યારે હું નિમિત્ત તરીકે ગૌરવ અનુભવું છું.  સંસ્થાએ તેમનું શાલ-પુષ્પથી સન્માન કર્યું હતું. વિરાંગના સ્મારક પુષ્પાર્પણ, સમાજ શિલ્પી સ્વ. વી. કે. પટેલની પ્રતિમાને હારારોપણ કરાયા હતા. માધાપર કણબી જ્ઞાતિવાડી, પટેલ જ્ઞાતિ મંડળ વતી અગ્રણી અરજણભાઇ ભુડિયાએ સૌને આવકારતાં વિરાંગનાઓના કાવ્યાત્મક ઓવારણા લીધાં હતાં. અગ્રણી જીતુભાઇ માધાપરિયા, કૌશલ્યાબેન માધાપરિયા તથા મહિલા મંડળે સ્થાનિક આયોજન-વ્યવસ્થા સંભાળ્યા હતા. માધાપરના સરપંચ પ્રેમીલાબેન અરજણ ભુડિયા ઉપસ્થિત રહ્યા હતા. ઉત્સાહના માહોલમાં આરંભાયેલ સાઇકલ કૂચ ભુજ સ્વામિનારાયણ મંદિરે આરતી દર્શન બાદ કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતના આશીર્વાદ લીધા હતા. તેમણે સમાજના તમામ સંકલ્પ પૂરા થશે તેવા વિશ્વાસ સાથે સાઇકલવીર યુવક-યુવતીઓને અભિનંદન આપ્યાં હતા. અહીંથી યાત્રા સમાજ સંકુલ પહોંચી જ્યાં આર.ડી. વરસાણી સ્કૂલના છાત્રોએ સ્વાગત કર્યું હતું. લોખંડી પુરુષની પ્રતિમાને હારારોપણ બાદ હરિપર સૂરજપર વાયા સરદાર પટેલ નગર થઇ યાત્રા બળદિયા, કેરા, કુંદનપર, નારાણપર પહોંચી ત્યાં સુધી ઉત્સવનો ભરચક માહોલ હતો. ગામોગામ સ્વાગત સન્માન, સમાજની ત્રણેય પાંખો પૈકીના સભ્યોએ ખુદ સાઇકલ ચલાવી ઉત્સાહ વધાર્યો હતો. કુંદનપરમાં પુષ્પવૃષ્ટિ કરાઇ તો રાવરીમાં રાધાકૃષ્ણ ચોક ગાજી ઊઠયો હતો. ગામો ગામ સાંખ્યયોગી બહેનો પણ સ્વાગત સન્માનમાં જોડાયાં હતાં. મેઘપર, ગોડપર, સરલી થઇ રામપરમાં બપોરની વિશ્રાંતિ બાદ વેકરા, વાડાસર જેવા નાના અને અંતરિયાળ ગામોનો ઉત્સાહ વિશેષ હતો. માધાપરના અરજણભાઇ ભુડિયાએ મહેનત લઇને સર્જેલા ગરિમા રથ પર કુમારોએ સંગીતની રમઝટ બોલાવી હતી. વાડાસરથી સામત્રાના દુર્ગમ માર્ગે લીંબુ પાણીની વ્યવસ્થા કરવા પ્રમુખ ગોપાલભાઇ, મંત્રી કેસરાભાઇ મેદાને ઉતરી પ્રોત્સાહન પૂરું પાડયું હતું. માનકૂવામાં હરીશ ભંડેરીની આગેવાની હેઠળ સ્વાગત જ્યારે ભારાસર બાદ સુખપરમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહી સામત્રા ગામે દરેક સાયકલ ચાલકને મેડલ આપ્યા હતા. મિરજાપર થઇ ભુજ આવતા સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની છાત્રાઓએ આવકાર આપ્યો હતો. જેની રજત જયંતી ઉજવાઇ રહી છે તે કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિરની દીકરીઓએ જોમ જુસ્સા સાથે સ્વાગત સમાપન કરાવ્યું હતું. કેરાના દિનેશ પાંચાણીએ સંકલન કર્યું હતું. માત્ર નવ વર્ષની વયના સ્વપ્નિલ ગામી (માધાપર)એ પૂરા 110 કિ.મી. સાઇકલ ચલાવી તો  માનકૂવાના 88 વર્ષની વયના વડીલે પણ પેન્ડલ માર્યા હતા. ચોવીસીનો રવિવાર સાઇકલ ડે બન્યો હતો. જે સાયબર સવારીએ દેશ-વિદેશ પહોંચ્યો હતો. તા. 16/12ના માંડવી ચાર કાંધામાં સાઇકલથી  આમંત્રણ અપાશે. સમગ્ર આયોજનમાં સમાજ પ્રમુખ હરિભાઇ કેશરા હાલાઇની નાદુરસ્ત તબિયતના કારણે અનુપસ્થિતિમાં ઉપપ્રમુખ કે. કે. હીરાણી, મંત્રી રામજી સેંઘાણી તથા સમાજની સમગ્ર કારોબારી, યુવક સંઘ પ્રમુખ મનજી પીંડોરિયા તથા કારોબારી સભ્યો રવજી ખેતાણી અને અરજણ ભીખાલાલ પીંડોરિયાએ વિશેષ કાર્યભાર સંભાળ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer