અબોલ જીવોની સેવામાં સંસ્કૃતિના દર્શન

અબોલ જીવોની સેવામાં સંસ્કૃતિના દર્શન
ભુજ, તા. 11 : રાજયમંત્રી વાસણભાઈ આહીરે મેઘપરની કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા બીમાર-ઇજાગ્રસ્ત ગાયો-અબોલ જીવોની થતી સેવા પ્રવૃત્તિ નિહાળી તેમના સ્નેહમિલનના લોકડાયરાની ગૌસેવા આવકમાંથી કામધેનુ ગૌશાળા-અંજાર પાંજરાપોળ પ્રત્યેકને રૂ. 2.51 લાખની ફાળવણી કરી હતી. અબોલ જીવોની સેવા એ જ ભક્તિ છે. સંવેદના ગ્રુપના યુવાન કાર્યકરો દ્વારા દરરોજ સવારે વહેલા ઊઠી ગૌસેવાની સાથો-સાથ અબોલ જીવોની કરાતી સેવા પ્રવૃતિમાં ભારતીય સંસ્કૃતિના દર્શન થાય છે, તેવું ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું.  મેઘપર શનિદેવ મંદિર પાસેની કામધેનુ ગૌ સેવા અને સારવાર કેન્દ્રની શુક્રવારે રાજયમંત્રી શ્રી આહીરે ત્રિકમદાસજી મહારાજ સાથે મુલાકાત લીધી હતી. ટ્રસ્ટીઓ મનુભાઈ અસરાની, દીપક પટેલ, ઉપપ્રમુખ પ્રદીપ મહેતા, સંવેદના ગ્રુપના કાર્યકરો ડી.સી.ઠકકર, પીયૂષ પૂજારા, અશોક સોની, સુરેશ છાયા વગેરેને વિવિધ વિભાગોની સેવા પ્રવૃત્તિ-વિકાસની જાણકારી આપી હતી.સતાપર ગામે પણ ગૌસેવાર્થે કંપની દ્વારા 16 લાખનો ચેક અપાયો હતો. અંજાર પાંજરાપોળને રૂ. 2.51 લાખની રકમ ફાળવણી સમયે પાંજરાપોળના ટ્રસ્ટીઓ ગાવિંદ કોઠારી, બલરામ જેઠવા, વનેચંદ ગઢેચા,  વેલજીભાઈ પુંજ, મનુભાઇ શાહ, ગોપાલ આહીર ઉપરાંત અગ્રણીઓ પૂર્વ ધારાસભ્ય ગોપાલભાઈ ધુવા, ડેનીભાઈ શાહ, મહેશ દોશી, કૃપાલાસિંહ ઝાલા, લવજીભાઈ સોરઠિયા વગેરે જોડાયા હતા. સંવેદના ગ્રુપના અશોક સોનીએ જણાવ્યું હતું કે, દરરોજ એક ગાડી જેટલો કટિંગ કરેલો લીલો-સૂકો ચારો તેમજ બીમાર ગાયોને ગોવારની લાપસી બંને સમય અપાય છે. અહીં દાતાઓના સહયોગે ઓપરેશન થીયેટર, એ.સી.યાર્ડની સુવિધા છે તો ગાયોના શરીરમાં મેટલ-લોખંડની ભાળ આપતા સાધનો સાથે અબોલ જીવો માટે આઇસીયુ નિર્માણાધીન છે. પશુ-પંખીની સારવાર માટે મહેશ જોષી તેમજ રવિ જોષી સેવા આપે છે. દરમિયાન શુક્રવારે કુકમા ગામે ગૌસેવા અર્થે આશાપુરા કંપની દ્વારા એક ગાડી ઘાસચારો અપાતાં રાજયમંત્રીએ નીરણનો પ્રારંભ કરાવ્યો હતો તે વેળા કંકુબેન વણકર, વાલજી વાસાણી, ગૌસેવા પ્રમુખ પ્રદીપ જોષી, અરાવિંદ આહીર, વેપારી એસો.ના નરેશ ઠકકર, આશાપુરા કંપનીના એચ.આર.વિરેનભાઈ ગોર ઉપસ્થિત રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer