જીત અને હાર તો જીવનનો હિસ્સો

નવી દિલ્હી, તા. 11 (પીટીઆઈ) : પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીનાં પરિણામોને સ્વીકારતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનાદેશને માથે ચડાવ્યો હતો અને કોંગ્રેસને જીત બદલ અભિનંદન આપ્યાં હતાં. તેમણે પરિણામો બાદ રાત્રે કરેલા શ્રેણીબદ્ધ ટ્વિટ સંદેશમાં જણાવ્યું હતું કે અમે પ્રજાએ આપેલા ચુકાદાને સ્વીકારીએ છીએ. મોદીએ કહ્યું કે, જીત અને હાર તો જીવનનો આંતરિક હિસ્સો છે. પી.એમ.એ ટ્વિટ સંદેશમાં જણાવ્યું હતું કે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જનતાનો તેમની સેવાની તક આપવા બદલ આભારી છું. આ રાજ્યોની ભાજપ સરકારોએ પ્રજાકલ્યાણ માટે અવિરત કાર્ય કર્યું હતું. તેમણે તેલંગાણામાં વિજય માટે કેસીઆરને અને મિઝોરમમાં જીત બદલ મિઝો નેશનલ ફ્રન્ટને પણ અભિનંદન આપ્યાં હતાં. મોદીએ કહ્યું કે, ભાજપ કાર્યકર્તાઓનો પરિવાર ચૂંટણી માટે દિન-રાત મહેનત કરતો હતો, હું તેમની મહેનતને સલામ કરું છું. આજનાં પરિણામો લોકોની વધુ સારી સેવા કરવા માટે અને ભારતના વિકાસ માટે બહેતર કરવામાં માર્ગદર્શક બનશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer