આઇસીસી રેન્કિંગમાં કોહલી ટોચ પર બરકરાર

પર્થ, તા. 11 : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસીની બેટ્સમેનોની વિશ્વ રેન્કિંગમાં પોતાનું નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે એડિલેડ ટેસ્ટમાં શાનદાર બેટિંગના કારણે ચેતેશ્વર પૂજારાને ટોપ 5માં જગ્યા મળી છે. બીજી તરફ જસપ્રીત બુમરાહ પણ પોતાની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ મેળવવામાં સફળ રહ્યો છે.  પૂજારાએ ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ટેસ્ટ મેચમાં 123 અને 71 રનની ઈનિંગ રમ્યા બાદ બેટ્સમેનોની યાદીમાં જો રૂટ અને ડેવિડ વોર્નરને પાછળ છોડીને ચોથો ક્રમાંક મેળવ્યો છે. પૂજારા હવે ત્રીજા ક્રમાંકે રહેલા સ્ટિવન સ્મિથથી માત્ર 55 અંક પાછળ છે તેમજ પાંચમા નંબરના જો રૂટથી 39 અંક આગળ છે. કોહલી હજી પણ બેટ્સમેનોની રેન્કિંગમાં પહેલા ક્રમાંકે યથાવત્ છે પરંતુ ન્યૂઝિલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન ઝડપથી કોહલી તરફ આગળ વધી રહ્યો છે. પાકિસ્તાન સામે ત્રીજી ટેસ્ટ મેચમાં જોરદાર પ્રદર્શન કરીને વિલિયમ્સન 900 રેટિંગ મેળવનારો ન્યૂઝિલેન્ડનો પહેલો અને દુનિયાનો 32મો ખેલાડી બન્યો હતો. વિલિયમ્સન અત્યારે બીજા ક્રમાંકે છે અને 913 અંક ધરાવે છે.  કોહલી ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટ મેચમાં નોંધપાત્ર પ્રદર્શન કરી શક્યો નહોતો. જેના કારણે કોહલીને 15 અંકનું નુકસાન થયું હતું. હવે કોહલી 920 અંક ધરાવે છે. તેમાં હવે પર્થ ટેસ્ટમાં કોહલી સારું પ્રદર્શન નહીં કરે તો તેને નંબર વનનો તાજ ગુમાવવો પડશે. એડિલેડ ટેસ્ટની બીજી ઈનિંગમાં સારું પ્રદર્શન કરનારા અજિંક્ય રહાણેને બે ક્રમનો ફાયદો થતાં વિશ્વ ક્રમાંકમાં 17મા નંબરે પહોંચ્યો છે. બોલરોની યાદીમાં દક્ષિણ આફ્રિકાનો રબાડા પહેલા નંબરે છે. જ્યારે ભારતીય બોલર જસપ્રીત બુમરાહ કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 33મા ક્રમાંકે પહોંચ્યો છે. સ્પિનર અશ્વિન છઠ્ઠા, મોહમ્મદ શમી 23 અને ઈશાન્ત શર્મા 27મા ક્રમાંકે છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer